કર્ણાટકના વિજયવાડા ખાતે રહેતો વેપારી આ ગેંગનો ભોગ બન્યો છે. આરોપીઓએ કર્ણાટકના વેંકટાસત્યનારાયણ કોટેશ્વર ધર્માંરાવ નામના વેપારીને ઈન્ડિયા માર્ટ વેબસાઈટ દ્વારા સસ્તું સોનું આપવાની લાલચ આપીને કર્ણાટકથી સુરતના અડાજણ ખાતે આવેલી હોટેલમાં બોલાવ્યો હતો. ત્યારે આરોપીઓએ સસ્તા સોનાના બદલે પીળી ધાતુવાળી 100 ગ્રામ સોનાની બિસ્કિટ આપીને 27 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આ અંગેની ફરિયાદ વેપારીએ રાંદેર પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ ગુનાની તપાસ સ્થાનિક પોલીસની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ કરી રહી હતી. આ દરમિયાન મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ડુમસ રોડ પરથી શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની તપાસ કરાતા તેમની પાસેથી 9 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ આરોપીઓમાંથી 2 આરોપીઓ સુરતના હોવાનું બહાર આવ્યું છે. જેમાં પરેશ ડોબરીયા કોસાદ અમરોલીનો તેમજ સરહુદ્દીન હમીદખાન રામપુરાનો રહેવાસી છે. જ્યારે અન્ય આરોપીઓ કર્ણાટક, આણંદ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન તેમજ દિલ્હીના રહેવાસી છે. આ આરોપીઓ આંતરરાજ્ય ગેંગ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. સાથે જ આ આરોપીઓ ખેતીવાડી, દુકાન અને ચાની લારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.