સુરત: એક તરફ સુરતમાં દિન પ્રતિદિન ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. તો બીજી તરફ સુરતમાં સોમવારના રોજ બુટલેગરની હત્યા થઈ હતી. જો કે, આટલું ઓછું હોય તેમ હવે બુટલેગરના ખોફથી પોલીસને ભાગવું પણ પડી રહ્યું છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં બુટલેગર કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમીને લઈને પોલીસ કમ્પ્લેઈન બોર્ડ(PCB) પોલીસ દરોડો પાડવા પહોંચી હતી. જો કે, કારમાંથી દારૂ ન મળતા બુટલેગરે ડ્રામા શરૂ કરી દીધો હતો. જે કારણે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.
આ ઉપરાંત કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. લોકટોળું એકત્ર થઇ જવાને કારણે PCB પોલીસ સ્થળ પરથી ઉભી પૂછડીએ ભાગી હતી. આપેલા વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, PCRવાન હાજર હોવા છતાં PCB પોલીસને ભાગવું પડ્યું હતું. આ વીડિયો વાયરલ થતા સુરત પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. આ ઉપરાંત વાયરલ વીડિયોમાં પોલીસને બેફામ ગાળો પણ ભાંડવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે અને સમગ મામલે તપાસ હાથ ધરી છે.