- વેપારીના મોબાઈલ નંબરને પોર્ટ કરી આરોપીએ લીધી લોન
- સુરતની સાયબર ક્રાઈમ સેલે આરોપીને ઝડપી પાડ્યા
- આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
સુરત : વેપારીના મોબાઈલ નંબરને પોર્ટ કરી તે નંબરના આધારે લોન લઇ છેતરપીંડી કરનારા બે આરોપીને સુરતની સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યા છે. વેપારીને ફોનમાં ટાવર નહી આવતા મોબાઈલ રીપેરીંગ માટે આપ્યો હતો. તે વેળાએ બે શખ્સોએ આ કરતૂત કરી હતી.
ઓનલાઈન લોનથી 54 હજારનો મોબાઈલ ફોન ખરીદી લીધો
પાંડેસરા ઈશ્વર નગરમાં રહેતા ટોબેકોના વેપારી વિજય બાબા પ્રસાદ ચૌરસીયાના નામે કોઈ અજાણ્યા શખ્સોએ ઓનલાઈન લોનથી 54 હજારનો મોબાઈલ ફોન ખરીદી લીધો હતો. બેંકના ખાતામાંથી હપ્તા કપાતા તેઓએ તપાસ કરી હતી. આખરે તેઓએ કોઈ મોબાઈલ લીધો ન હોય આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોનું નામ સંદીપ અર્જુન જનકદેવ સિંહ અને વાજીદ શરીફભાઈ ગનીભાઈ કચ્છવા છે. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ અગાઉ મોબાઈલ શોપમાં કામ કરતા હતા.
પોર્ટનો મેસેજ કરી અન્ય સીમકાર્ડ લઇ લીધુ
વેપારીને મોબાઈલ ફોનમાં પ્રોબ્લેમ આવતા તેઓ મોબાઈલ દુકાને મૂકી ગયા હતા. જેથી તેઓના મોબાઈલ પરથી પોર્ટનો મેસેજ કરી અન્ય સીમકાર્ડ લઇ લીધુ હતું અને તેના આધારે ઓનલાઈન મોબાઈલ ફોન કરી વેચી માર્યો હતો. હાલ પોલીસે બંને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.