સુરત : ગુજરાતીમાં એક કહેવત છે, હસે તેનું ઘર વસે. હંમેશાં હસતા લોકો બધાને ગમે છે, પરતું ક્યારેક રડવું પણ જીવનમાં ખૂબ જરૂરી બની જાય છે. પોતાનું દુખ છુપાવી રાખવા કરતાં તેને રડીને બહાર કાઢવામાં આવે તો વ્યક્તિને હિંમત મળે છે, અને તેનું જીવન હળવું બને છે. સૂરતમાં શરૂ કરવામાં આવેલી ક્રાઈંગ ક્લબ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીનીઓ દિલ ખોલી રડી રહી હતી.
રડવાનું પ્રોમિસ હોં! સુરતની કોલેજની વિદ્યાર્થિનીઓએ એવી પ્રતિજ્ઞા પણ લીધી - promise day
કોઇ રડતું હોય તો તે જોવું પણ અકળાવનાર હોય છે ત્યારે પ્રોમિસ કરીને રડવાનું હોય તો? જોકે આવું સૂરતમાં એક કોલેજમાં રડી રહેલી વિદ્યાર્થિનીઓના દ્રશ્યો સ્પેશિયલ છે. આમ જાણીજોઇને કરવામાં આવ્યું હતું કારણ કે ક્રાઈગ પ્રોમિસ ડેની ઉજવણી કરાઈ હતી.
આમ તો હાસ્યને જીવનમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. હસતો નર સદા સુખી આ કહેવત દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે. પરતું સૂરત સહિત દેશભરમાં હાસ્યને થેરાપી સ્વરૂપે ફેલાવનારા લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા અને સૂરતના જાણીતા ડોકટરોની ટીમ દ્વારા હેલ્ધી ક્રાઈંગ ક્લબની શરૂઆત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે લોકો દિલ ખોલીને હસે છે પરંતુ રડવા માટે ખૂણો શોધે છે. પરંતુ હકીકત એ છે કે લોકોએ જાહેરમાં મન મૂકીને રડવું જોઈએ, રડવાથી દુઃખ ઓછું થાય છે. સાથે જ મન અને હૃદય પરનો બોજો હળવો થાય છે.સાથે જે રડવાથી આંખમાંથી જે આંસુ નીકળે છે, તે શરીર માટે ફાયદાકારક છે.
ક્રાઈંગ ક્લબ દ્વારા લોકોને પોતાના દિલમાં રહેલી એવી વાતો વ્યક્ત કરવાનો મોકો આપવામાં આવે છે,તેનું તેમને દુઃખ હોય.લોકો મુક્ત મને પોતાના દુખની વાતો અન્ય લોકો સમક્ષ મૂકી શકે છે. પોતાની સાથે થયેલી ઘટનાઓથી માંડીને તમામ વાતો જ્યારે અહીં હાજર લોકો કહેતા હોય છે, ત્યારે અન્ય લોકોની આંખોમાં પણ આંસુ આવી જાય છે. આ સાથે સમૂહ રુદન પણ લોકો કરતાં હોય છે, જેમાં દસ મિનીટ સુધી દરેક વ્યક્તિ પોતાના દુઃખને યાદ કરી રડે છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારે રડવાથી ખરેખર તેમને એવી લાગણી થાય છે કે અન્યોના દુઃખ કરતા તેમનું દુઃખ ખૂબ ઓછું છે. કેટલીક વિદ્યાર્થિનીઓના આંસુ એવા છલકાયાં હતાં કે તે અટકવાનું નામ જ નહોતા લેતાં. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે આજે તેમને ખરેખર અહેસાસ થયો કે રડવાનું જીવનમાં ખૂબ મહત્વ છે.
સુરતની કોલેજની વિદ્યાર્થિનીઓએ આજના પ્રોમિસ ડેના દિવસે મહિનામાં એક વખત દિલ ખોલીને રડવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.જીવનમાં જેટલું હસવાનું મહત્વ માનવામાં આવે છે, તેટલું જ હવે રડવાનું પણ મહત્વ આંકવામાં આવી રહ્યું છે. તેની પાછળનું મૂળ કારણ હૃદયમાં રહેલા દુઃખ,દર્દ અને ચિંતાઓને હળવા કરવાનું માની શખાય...જે દરેક લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી બને છે.