સુરત : કહેવાય છે દીકરી ઘરના સભ્યો માટે કાળજાનો કટકો સમાન હોય છે. પરંતુ સુરતમાં આ કાળજા સમાન માસૂમ બાળકીને તેના સગા પિતાએ જ મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઈ હતી. સુરતના સલાબતપુરા વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનામાં પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી હતી.
કોરોનાથી ઘાતક ‘બાપ’: વાંચો, આ સુરતની 8 માસની માસૂમનો દર્દનાક કિસ્સો - news of gujarat
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આઠ માસની માસૂમ બાળકીની તેના સગા પિતા દ્વારા જ હત્યાનો ઘૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. જેમાં આ બાળકી અચાનક રડવા લાગતા તેના પિતાની ઉંઘ બગડી હતી અને બાળકીને ઉચકી જમીન પર પટકી નાખી હતી. આથી બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સલાબતપુરા પોલીસે આ મામલે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રેશમવાડ ખાતે રહેતા ઉવેશ શેખને સંતાનમાં આઠ માસની બાળકી હતી. પોતાના ઘરમાં ઉવેશ શેખ નિંદર માણી રહ્યો હતો તે દરમ્યાન બાજુમાં સુતેલી તેની આઠ માસની બાળકી અચાનક રડવા લાગતા તેને છાની રાખવાના બદલે તે રોષે ભરાયો હતો અને તેેને ઉચકી જમીન પર પટકી નાખી હતી. જ્યાં બાળકીનું ઘરમાં જ કરુણ મોત નીપજયું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને પિતાના આ કૃત્ય બદલ લોકોએ તેના પર ભારે ફિટકાર વર્ષાવ્યો હતો.
બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યારા પિતાની ધરપકડ કરી હતી. પોલીસે માસૂમ બાળકીના મૃતદેહને પોસ્ટ-મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માસૂમ બાળકીની હત્યા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યો છે. જ્યાં કાળજા સમાન બાળકીના મોત બાદ તેની માતા પણ શોકમગ્ન થઈ ગઈ છે.