સુરતઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે સતત ખડેપગે ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓનું લોકો ફૂલ વરસાવી અભિવાદન કરી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે પોલીસની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. પરંતુ અમુક પોલીસકર્મચારીઓના કારણે પોલીસની છબી ખરડાઈ રહી છે.
સુરતમાં કોન્સ્ટેબલએ વોચમેનને માત્ર 37 સેકન્ડમાં 12 દંડા માર્યા, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના સુરતના ભટાર વિસ્તારમાં બન્યું છે કે, જ્યાં એક વોચમેનને ખટોદરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ ઢોર માર માર્યો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કોન્સ્ટેબલ વોચમેનને બેફામ ફટકારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનનો ભંગ થયો હોય તો તેના પર જરૂરથી કાર્યવાહી થવી જોઈએ. પરંતુ, આ રીતનો માર મારવો કેટલો યોગ્ય છે તેના પર સવાલ ઉભો થયો છે.
આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ લોકોમાં રોષની લાગણી પણ પ્રવર્તી રહી છે. વીડિયોમાં બંને પોલીસ કોન્સ્ટેબલ માત્ર 37 સેકન્ડમાં 12 દંડા વોચમેન પર વર્ષાવી રહ્યા છે. ઘટના અંગે ખટોદરા પી.આઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કરફ્યુ દરમ્યાન વોચમેન ટૂંકો ચડો પહેરી આંટાફેરા મારવા નીકળ્યો હતો. પોલીસ જવાનોએ અટકાવતા સામેથી જવાબ આપવા લાગ્યો હતો. જેથી બે ત્રણ દંડા મારી છોડી મુકવામાં આવ્યો હતો. પી.આઇના આ નિવેદન અને સીસીટીવીના દ્રશ્યો સત્ય વાસ્તવિકતાનો ચિતાર આપી રહી છે.
જો કે, હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું તપાસ કરી કસુરવારો સામે શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે.