ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા 2 શખ્સ ઝડપાયા - પલસાણા તાલુકા

સુરત જિલ્લાની કડોદરા જીઆઈડીસી પોલીસે રોડ પર આવતા જતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા બે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આ બંને શખ્સને ચલથાણ નજીકથી ઝડપ્યા હતા અને તેમની પાસેથી 3 મોબાઈલ અને એક બાઈક કબજે લીધું હતું.

સુરતમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા 2 શખ્સ ઝડપાયા
સુરતમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા 2 શખ્સ ઝડપાયા

By

Published : Dec 30, 2020, 11:34 AM IST

  • ફેબ્રુઆરીમાં બે અલગ અલગ રાહદારીઓ પાસેથી ફોન ખેંચી લીધા હતા
  • પોલીસે બંનેને ચલથાણ નજીકથી બાઈક અને મોબાઈલ સાથે ઝડપી લીધા
  • પોલીસે આરોપી પાસેથી ત્રણ ફોન અને એક મોટર સાયકલ કબજે લીધી

બારડોલી: સુરત ગ્રામ્ય જિલ્લાની કડોદરા જીઆઈડીસી પોલીસે રાહદારીઓના મોબાઈલ ઝૂંટવી લેતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોબાઇલ અને મોટર સાયકલ મળી કુલ 67 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કડોદરા જીઆઈડીસી પોલીસ દ્વારા મંગળવારે ચોક્કસ દિશામાં વર્ક-આઉટ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાના ચલથાણ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પર એક મોટર સાયકલ સાથે રાહદારીઓના ફોન ઝૂંટવી લેનારા બે શખસ ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી સાહિલ સંજય સિંહ (મૂળ રહે. ઉજ્જૈન મધ્યપ્રદેશ, હાલ રહે. યોગેશ્વરનગર, ચલથાણ, તા. પલસાણા) તથા રોહિત ઉર્ફે ઉધના જિતુ આહિરે (મૂળ રહે. અંત્રોલિ, તા. નિઝર, જિ. તાપી અને હાલ રહે. સાંકી ગામ, તા. પલસાણા)ને પકડી લીધા હતા.

બાઈક અને ફોન અને પૂછતાં ગલ્લાતલ્લા કર્યા

પોલીસને તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ફોન અને મોટર સાયકલ અંગે પૂછતા ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. તેમની પાસેથી કોઈ આધાર પૂરાવા મળી આવ્યા ન હતા. આથી પોલીસે બંનેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેમની પાસેથી ત્રણ મોબાઈલ અને એક મોટર સાયકલ મળી કુલ 67 હજાર 500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ફેબ્રુઆરીમાં કરી હતી મોબાઈલની ચીલઝડપ

પોલીસ પૂછપરછમાં બંનેએ ફેબ્રુઆરી માસમાં સાંજના સમયે પલસાણાના કાળા ઘોડા નજીક સર્વિસ રોડ પર ચાલતા જતા રાહદારીના હાથમાંથી ફોન ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. ત્યારબાદ બે ત્રણ દિવસ પછી પણ આ જ રોડ પર રાહદારીનો ફોન લઈને મોટરસાયકલ પર ચલથાણ તરફ નાસી છૂટ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કબૂલાત બાદ બંનેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details