- NGO દ્વારા રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન
- બોરવેલમાંથી મિલ સુધીની સીધી પાઇપલાઇન કરાય છે
- રાત્રિના સમયે જ સપ્લાય થાય છે પાણી
સુરત: જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાણી ઉલેચવાનું નેટવર્ક મોટા પાયે ચાલી રહ્યું છે. ખાસ કરીને તાતીથૈયા ગામે આવેલ ડાઇંગ પ્રિંટિંગ મીલોમાં પાણીની અછત ઊભી થતાં બોરવેલમાંથી પાઇપલાઈન કરી મિલો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક NGO દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાથી તાતીથૈયામાં ધીમે ધીમે પાણી માફિયાઓ સક્રિય થયા છે.
આ રીતે ચલાવવામાં આવે છે સમગ્ર નેટવર્ક
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલ ડાઇંગ પ્રિંટિંગ યુનિટોમાં બિનઅધિકૃત રીતે પાણીનો જથ્થો પૂરો પાડવા માટે પાણી માફિયાઓ સક્રીય બન્યા છે. આ જળ માફિયાઓ દ્વારા ઔદ્યોગિક એકમોમાં પાણીની અછતના પગલે ખાનગી માલીકીની જમીનમાં બોરવેલ કરી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરી દેવાય છે. આ પાઇપલાઇન રાતો રાત તૈયાર કરી જે તે મિલ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. બોરવેલમાંથી પાણી મિલો સુધી પહોંચે છે. આ માટે નહેરની નીચેથી પણ પાઇપલાઈનો પસાર થઈ રહી છે.