સુરતમાં ગેસ લીકેજના કારણે ઘરમાં લાગી આગ સુરત : સુરત શહેરના સચિન વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સચિન વિસ્તારના એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી હતી. આ ભયાનક આગમાં ઘરમાં હાજર 5 લોકો ગંભીર રૂપે દાઝી જતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગત રાત્રે મહિલા પોતાના બાળક માટે દૂધ ગરમ કરવા રસોઈઘરમાં ગઈ હતી. જ્યાં તેણે માચીસ સળગાવતા ઘરમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
સચિન વિસ્તારમાં કરુણ બનાવ : બનાવની મળતી વિગત અનુસાર સુરત શહેરના સચિન વિસ્તારમાં અન્સારી પરિવાર રહે છે. 25 વર્ષીય ફિરોજ અન્સારી સંચા કારખાનામાં કામ કરે છે. ફિરોજના પરિવારમાં પત્ની અને 3 બાળકો સહિત માતા અને બહેન સાથે રહે છે. ગત રાત્રીના આશરે 2:00 વાગ્યાના અરસામાં ફિરોજનો 4 માસનો પુત્ર ભૂખ લાગતાં રડવા લાગ્યો હતો. ફિરોઝની પત્ની જેમીન દૂધ ગરમ કરવા માટે રસોઈઘરમાં પહોંચી હતી.
પોલીસને જાણ થઈ હતી કે સચિન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે લાગેલી આગથી એક પરિવાર દાઝી ગયો છે. જેમાં પતિ-પત્ની સાથે 3 બાળકો પણ દાઝી ગયા હતા. -- આર. આર. દેસાઈ (PI, સચિન પોલીસ સ્ટેશન)
માચીસ સળગાવી અને ભુમ્મ : મહિલાએ દૂધ ગરમ કરવા માટે માચીસ સળગાવી ત્યારે અચાનક જ ઘરમાં આગ લાગી હતી. ઘરમાં ગેસ લીકેજ થયો હશે અને માચીસ સળગાવતા આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે. આ અકસ્માતમાં ફિરોજ અને તેની પત્ની જેમીન સહિત 4 વર્ષીય અલ્તમાસ, હાલતા અને 3 વર્ષીય સજાદી ગંભીર રીતે દાજી ગયા હતા. જેમાં ફિરોઝ અને તેની પત્ની 90 અને 70 ટકા સુધી દાઝી ગયા છે.
ગત રાત દરમિયાન ભાઈના પુત્રને ભૂખ લાગી હતી અને ભાભી રસોડામાં દૂધ ગરમ કરવા ગઈ હતી. ત્યારે અચાનક જ ભીષણ આગ લાગી ગઈ અને તમામ લોકો દાઝી ગયા હતા. -- સમીના (ફિરોઝની બહેન)
3 બાળક દાઝ્યા : આ અંગે સચિન પોલીસ મથકના PI આર. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસને જાણ થઈ હતી કે સચિન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે લાગેલી આગથી એક પરિવાર દાઝી ગયો છે. જેમાં પતિ-પત્ની સાથે 3 બાળકો પણ દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત ફિરોઝ સચિન વિસ્તારમાં સંચા કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
દંપતિની હાલત ગંભીર : આ બનાવ અંગે ફિરોઝની બહેન સમીનાએ જણાવ્યું હતું કે, ગત રાત દરમિયાન ઘટના બની હતી. તમામ લોકો સૂઈ રહ્યા હતા. ત્યારે ભાઈના પુત્રને ભૂખ લાગી હતી અને ભાભી રસોડામાં દૂધ ગરમ કરવા ગઈ હતી. ત્યારે અચાનક જ ભીષણ આગ લાગી ગઈ અને તમામ લોકો દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.
- Surat Accident News : પલસાણા ખાતે આવેલી મિલમાં બની ગોઝારી ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગુંગળાઇ જતા મોત
- Surat Accident News : કામરેજ તાલુકામાં કાર અને બુલેટ વચ્ચે ગોઝારો અકસ્માત, અચાનક બુલેટ સળગી ઉઠ્યું