- બારડોલી ખાતે યોજાયો કૃષિ પરિસંવાદ
- ખેડૂતોને કાયદાઓથી થતા નુકસાન અંગે સમજણ આપવામાં આવી
- ત્રણેય કાયદાઓ ખેડૂતો અને નાગરિકોને ગુલામ બનાવશે
સુરત: બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમનાં બારડોલી અને આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ઉપસ્થિત ખેડૂત અગેવાનોનું સ્વાગત પ્રવચન કર્યા બાદ અર્થશાસ્ત્રી હેમંત શાહે કાયદા અંગે વિસ્તારથી ઉદાહરણ સહિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જમીન માલિકો ખાનગી કંપનીના ગુલામ બનશે
હેમંત શાહે આ કાયદાઓને કાળા કાયદા ગણાવી જણાવ્યું કે, સરકારની નિયત ખેતીને દેશી-વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને હવાલે કરવાની છે અને જમીન માલિક એવા ખેડૂતોને તેમની જ જમીન પર ખાનગી કંપનીઓના મજૂર બનાવી દેવામાં આવશે. આ કાયદાઓ ખેડૂતો અને નાગરિકોને ગુલામ બનાવશે. પહેલાં આપણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગુલામ હતા હવે 5 હજારથી વધુ ખાનગી કંપનીઓના ગુલામ બનીશું.
આ કાયદા ઘડી રાજ્ય સરકારોની સત્તા આંચકી લીધી
અર્થશાસ્ત્રી શાહે વધુમાં ઉમેર્યું કે, આ ત્રણેય કાયદા રાજ્ય સરકારને પૂછ્યા વિના કે ચર્ચા કર્યા વિના જ કરવામાં આવ્યા છે. ખરેખર તો ખેતી અને ખેતીના માલનું ખરીદ વેચાણ એ બંધારણ અનુસૂચિ -7 મુજબ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારે કાયદા ઘડવાના હોવા છતાં પણ કેન્દ્રએ આ કાયદા ઘડીને રાજ્ય સરકારોની સત્તા આંચકી લીધી છે. જેથી દેશના મૂળભૂત રાજકીય અને આર્થિક માળખાને હાની પહોંચાડવામાં આવી રહી છે.
ન્યાય માંગવામાં નાગરિકોના અધિકારનો છેદ ઉડાડી દેવાયો
આ કાયદાઓ લોકશાહીના એક મૂળભૂત સિદ્ધાંતનો ભંગ કરતા હોવાનું જણાવી તેમણે આગળ જણાવ્યું કે, આ કાયદા હેઠળ ખેડૂતો કંપનીએ છેતરપિંડી કરી હોય તો પણ તેની સામે અદાલતમાં કેસ પણ કરી શકશે નહીં. સરકાર ન્યાય માંગવાના નાગરિકોના અધિકારનો છેદ ઉડાડી દેવા માગે છે. આ એક અદ્રશ્ય ગુલામી છે.