બારડોલી : સુરત જિલ્લામાં સોમવારે રાત્રીના 8 વાગ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. બારડોલીમાં બે કલાકમાં જ 2 ઇંચ વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા.
સુરતના માંડવી અને બારડોલીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ - બારડોલીમાં વરસાદ
જિલ્લામાં સોમવારે રાત્રે અચાનક ગાજ વીજ સાથે ભારે વરસાદ શરુ થયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના બારડોલી ઉપરાંત મહુવા, માંડવી, કામરેજ સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ફરી એક વખત જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા બાદ ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણ બિહામણું બની ગયું હતું. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતાં અંધારપટ છવાઈ ગયો હતો. બારડોલી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધારી દીધી હતી.
બારડોલી તાલુકામાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં 48 મીમી એટલે કે લગભગ 2 ઇંચ વરસાદ થયો હતો. અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો કામરેજમાં 8 મિમી, મહુવા માં 32 મીમી, માંડવી 48મીમી, માંગરોળ 15મીમી, પલસાણા 22મીમી, ઉમરપાડા 19મીમી વરસાદ નોંધાયો હતો.