સુરત: પાંડેસરા ગુલશન નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના આશરે 400થી 500 ઓરિસ્સાવાસી કારીગરોનું ટોળું યોગ્ય ભોજનની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. જોત જોતામાં કારીગરોનું ટોળું મોટી સંખ્યામાં એકઠું થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ ઓરિસ્સા સમાજના આગેવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં કારીગરોને ભારે સમજાવ્યા બાદ મામલો શાંત પાડ્યો હતો. કારીગરોના આક્ષેપ હતા કે, તેઓને માત્ર હલકી ખીચડી આપવામાં આવે છે જે તેઓ જમી શકતા નથી. ભોજનમાં દાળ -ભાત અને શાક આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કારીગરોના હોબાળો અને રજૂઆત બાદ ઓરિસ્સા સમાજના આગેવાનોએ સુરત મહાનગરપાલિકા સાથે સંકલન સાધી પાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલમાં રસોડું તૈયાર કરાવ્યું હતું.
યોગ્ય ભોજન વ્યવસ્થાની માગ સાથે પાંડેસરા વિસ્તારના ઓરિસ્સાવાસી કારીગરોનો હોબાળો
દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના કારણે દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે બીજા તબક્કાનું લોકડાઉન શરૂ થતા લુમ્સ સહિત અલગ અલગ ખાતાઓમાં કામ કરતા કારીગરોની ધીરજ પણ હવે ખૂટી છે. જ્યાં કારીગરો ભોજન અથવા વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. જ્યાં આજ રોજ યોગ્ય ભોજન વ્યવસ્થાની માગ સાથે પાંડેસરા વિસ્તારના ઓરિસ્સાવાસી કારીગરોએ ભારે હોબાળો કરી મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. પોલીસ અને સમાજના આગેવાનો દ્વારા ભારે સમજાવટ કરી મામલો શાંત પાડ્યો હતો.
પાંડેસરા વિસ્તારના ઓરિસ્સાવાસી કારીગરોનો ભારે હોબાળો
જ્યાં તમામ કારીગરો સહિત આસપાસની સોસાયટીના કારીગરોને પણ બે ટાઈમ ભોજનની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી હતી. કારીગરોની માંગણી પુરી થતા સમગ્ર મામલો થાળે પડયો હતો. જે બાદ પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.