ગુરુકુળ રિવર બ્રિજમાં પડી તિરાડો સુરત: દોઢ મહિના પહેલા સુરત મહાનગરપાલિકાએ જે ગુરુકુળ રિવર બ્રિજનું ઉદઘાટન કર્યું હતું. તે જ બ્રિજનો એક તરફનો ભાગ બેસી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ હતી. 118 કરોડ રૂપિયાના ખર્ચે દોઢ મહિના પહેલા જ આ ગુરુકુળ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિજનો એક ભાગ એક ફૂટ સુધી ઘસી જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
બ્રિજમાં પડી તિરાડો:બ્રિજ સિટી તરીકે ઓળખ રાખનાર સુરતમાં ભ્રષ્ટાચારના કારણે નવનિર્મિત એક બ્રિજનો એક ભાગ દોઢ મહિના બાદ પ્રથમ વરસાદમાં ઘસી પડ્યો હતો. વેડ વરિયાવ રોડ બ્રિજને લોકો ગુરુકુળ બ્રિજ તરીકે ઓળખે છે. તાપી નદી ઉપર બનેલા આ બ્રિજની રાહ વર્ષોથી લોકો જોઈ રહ્યા હતા. 118 કરોડના ખર્ચે જ્યારે આ બ્રિજ તૈયાર થયો ત્યારે લોકોને લાગ્યું કે હવે તેમની મુશ્કેલોનો અંત આવી જશે. પરંતુ બ્રિજ બન્યાના દોઢ મહિના બાદ જ આ બ્રિજનો એક તરફનો ભાગ આશરે 1 ફૂટ ઘસી ગયો હતો એટલું જ નહીં વચ્ચે ચાર આંગળી એક સાથે આવી જાય તેટલી તિરાડ પણ જોવા મળી છે.
દોઢ મહિના પહેલા ખુલ્લા મુકાયો હતો બ્રિજ 118 કરોડનો બ્રિજ પાણીમાં: આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને વિપક્ષ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ બ્રિજ પર પહોંચી આવ્યા હતા એટલું જ નહીં આ ઘટનાની જાણ થતા અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જોકે શાસક પક્ષના કોઈપણ નેતા આ બ્રિજની સ્થિતિ જોવા માટે આવ્યા ન હતા. ભ્રષ્ટાચારના કારણે બ્રિજ ઘસી જતા વિપક્ષને શાસક પક્ષને ઘેરવાનો મોકો મળી ગયો હતો. પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પોતાના નજીકના લોકોને કોન્ટ્રાક્ટ આપે છે. બ્રિજના નિર્માણ પર ખર્ચ થયેલા 118 કરોડ રૂપિયા પાણીમાં પડી ગયા છે. ભ્રષ્ટાચારમાં સામેલ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
શું કહ્યું ચીફ એન્જિનિયરે:જ્યારે સ્થળ પર આવેલા ઝોનલ અધિકારી અને ચીફ એન્જિનિયરએ જણાવ્યું હતું કે બ્રિજનો નહીં પરંતુ બ્રિજના છેલ્લે જે ભાગ આવે છે તે ઘસી ગયો છે જે અંગે અમે ઉચ્ચ સ્તરે જાણ કરી રહ્યા છે હાલ અમે કશું કહી શકીએ એમ નથી.
18 મેના રોજ ખુલ્લો મૂક્યો હતો: સુરત મનપા દ્વારા 118.42 કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા ફોર લેન રિવર બ્રિજને રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશે તારીખ 18 મેના રોજ ખૂલ્લો મૂક્યો હતો. આ બ્રિજ સાકાર થવાથી કતારગામ-વેડરોડ તેમજ વરિયાવ-અમરોલી-છાપરાભાઠા વિસ્તારની અંદાજે 8 લાખની વસ્તીને સરળ આવાગમનનો લાભ થાય તેવી વાત પાલિકા દ્વારા કરવામા આવી હતી.
- Surat Monsoon News: હોસ્પિટલના પ્રવેશદ્વાર પર ભરાયા ઘૂંટણ સમા પાણી, દર્દીઓને ભારે હાલાકી
- Navsari News : વાંસદામાં 12 ગામને જોડતો મુખ્ય રોડ તૂટ્યો, ચોરવણીના મુખ્ય માર્ગનું વરસાદમાં ધોવાણ