સુરત: ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતા,નીડર નિષ્પક્ષ અને સત્યનિષ્ઠ પત્રકારત્વ માટે જાણીતા એવા માનનીય નગીનદાસ સંઘવી મૂળે તો ભાવનગર જિલ્લાના છે પણ એમણે બાદમાં મુંબઈ જઈ વિવિધ ક્ષેત્રમાં નોકરી કરી અને પછી અધ્યાપક બન્યા 40 વર્ષ સુધી એમણે વિદ્યાર્થીઓને ઈતિહાસ અને રાજકીય શાસ્ત્ર શીખવ્યા. તેઓ વિદ્યાર્થીમાં બહુ પ્રિય અધ્યાપક હતા એમતો એમણે થોડા સમય માટે રાજકારણનો પણ અનુભવ કર્યો પણ એમનું મન ઠર્યું આખરે પત્રકરત્વમાં મુંબઈમાં એમણે અનેક અખબારોમાં લખવાનું શરૂ કર્યું હતું.તેમને અનેક ગુજરાતી અખબારો અને સામયીકોમાં એ સતત લખતા રહ્યા છે.
એમની રાજકીય કટાર બહુ લોકપ્રિય છે, એમની કલમ ધારદાર રહી છે, અને એ કોઈની સાડીબાર રાખ્યા વિના લખે છે. એમણે વિવિધ વિષયો પર પુસ્તકો પણ લખ્યા છે, 20થી વધુ પુસ્તકો એમના નામે છે. એમાનું એક પુસ્તક નરેન્દ્ર મોદી પર છે જે, અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં પ્રકાશિત થયું છે. તેઓ રાજકારણ જ નહિ પણ ઈતિહાસ, ધર્મ, અધદ્યાત્મ, અર્થકારણ એમ દરેક વિષય પર અધિકારપૂર્વક બોલી અને લખી શકે છે.
શતાયુ નગીનદાસ સંઘવી ભારતના સહુથી મોટી ઉંમરના કોલમિસ્ટ હતા અને ગુજરાતી ભાષાના એક વિરલ સ્પષ્ટવક્તા રાજકીય વિશ્લેષક હતા. સોમા ,વર્ષે તે દર અઠવાડિયે, કુલ પાંચેક હજાર શબ્દોની ચાર દૃષ્ટિપૂર્ણ કોલમ પણ લખતા હતા, આટલા વર્ષોમાં ચોક્કસ સમયે અને ચોક્કસ શબ્દ સંખ્યામાં ગમે તે જગ્યાએથી, ગમે તે સંજોગોમાં તંત્રીને ટકોરાબંધ લેખ આપવાનું ક્યારે ય ચૂક્યા નહીં હોવાની ખ્યાતિ નગીનદાસ ધરાવતા હતા.
રાજકોટમાં 16 જૂને તેમની શતાબ્દી વંદનાએ ‘નગીનદાસ સંઘવીનું તડને ફડ’ અને ‘નગીનદાસ સંઘવીની સોંસરી વાત’ નામે દળદાર સંગ્રહો પ્રસિદ્ધ થયા. પદ્મશ્રી સન્માનિત નગીનદાસે નરેન્દ્ર મોદી પર તટસ્થતા માટે વખણાયેલા અંગ્રેજી પુસ્તક ઉપરાંત પણ ચાર અંગ્રેજી પુસ્તકો લખ્યા છે : ‘ગુજરાત : અ પોલિટિકલ એનાલિસિસ’, ‘ગાંધી : ધ ઍગની ઓફ અરાઈવલ’, ‘ગુજરાત એટ ક્રોસ રોડ્સ્’ અને ‘અ બ્રીફ હિસ્ટરી ઓફ યોગ’. અમેરિકન ઇતિહાસ અને રાજકારણ પરના નવ અંગ્રેજી પુસ્તકો ઉપરાંત રાજમોહન ગાંધીએ લખેલા સરદાર પટેલના બૃહત્ જીવનચરિત્રને તે ગુજરાતીમાં લાવ્યા છે. દેશ અને દુનિયાની રાજનીતિનાં પાસાં પરની ત્રીસ પરિચય-પુસ્તિકાઓ તેમનું મહત્ત્વનું પ્રદાન છે.
રવિવારે મહાન કટાર લેખક નગીનદાસે દુનિયાને અલવિદા કહી દીધી છે.ગુજરાતે એક મહાન લેખક અને પત્રકારને ગુમાવ્યા છે.સુરતમાં રવિવારે 100 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.