ગુજરાત

gujarat

ETV Bharat / state

Sardar Patel Birth Anniversary: સરદાર પટેલ કહેતા "આઝાદી પછી ખેડૂતોના ઘર પર સોનાના નળીયા હશે", પણ આજે'ય ખેડૂત 'બે પાંદડે' થવા મથી રહ્યો છે

વલ્લભભાઈ પટેલનો જન્મ ભલે નડિયાદમાં થયો હોય પણ 'સરદાર' તો બારડોલીમાં જ જન્મ્યા. બારડોલી સત્યાગ્રહની સફળ લડતે દેશને નવા 'સરદાર' આપ્યા. સરદાર વલ્લભભાઈનો આજે 148મો જન્મ દિવસ છે ત્યારે બારડોલીમાં આજે સરદાર કેટલા પ્રસ્તુત છે? વાંચો વિગતવાર...

બારડોલીએ વલ્લભભાઈ પટેલને સરદાર બનાવ્યા
બારડોલીએ વલ્લભભાઈ પટેલને સરદાર બનાવ્યા

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 11:05 AM IST

Sardar Patel Birth Anniversary:

બારડોલી: સરદાર અને બારડોલી જાણે એકબીજાના પૂરક હોય તેમ જ્યારે પણ બારડોલીનું નામ પડે એટલે સરદાર અને સરદારનું નામ આવે એટલે બારડોલીનું નામ અવશ્ય લેવાય છે. બારડોલીના ખેડૂતો પર અંગ્રેજોએ આકરો કર નાખતા ના-કરની લડતની શરૂઆત થઈ હતી. ખેડૂતોની નેતાગીરી કરી બારડોલી સત્યાગ્રહને વલ્લભભાઈ પટેલે સફળ બનાવ્યો હતો. તેથી જ દેશને સરદાર આપનાર બારડોલીને આજે પણ તેમના પ્રત્યે એટલું જ માન છે જેટલું બારડોલી સત્યાગ્રહ વખતે હતું. બારડોલી સરદાર પટેલનું ઋણ ક્યારેય નહીં ભુલી શકે. 1928માં સરદારની આગેવાનીમાં બારડોલીમાં શરૂ થયેલી ના-કરની લડતે દેશમાં એક નવો આત્મવિશ્વાસ પેદા કર્યો હતો.

સરદારનું બિરુદઃઅંગ્રેજોના જુલમ અને આકરા કરને કારણે તે સમયે બારડોલીના ખેડૂતોની હાલત તદ્દન બદતર થઈ ગઈ હતી. તેવા સમયે ખેડૂતોને સરદાર પટેલનું નેતૃત્વ મળતા ખેડૂતોમાં એક નવો ઉત્સાહ પેદા થયો. સરદારની સાથે ખેડૂતોએ અંગ્રેજો સામે બાંયો ચઢાવી અને માત્ર 6 મહિનામાં જીત મેળવી હતી. અંગ્રેજો સામે મળેલી જીત બાદ બારડોલીમાં જ્યારે વિજય સભા યોજાઈ તેમાં અકોટીના ભીખીબેન પટેલે ઉભા થઈને કહ્યું 'તમે તો અમારા સરદાર છો'. આ વાક્ય પછી વલ્લભભાઈ પટેલ સમગ્ર દેશ માટે સરદાર બની ગયા.

આજે પણ સ્વરાજ આશ્રમ કરી રહ્યો છે ગાંધી-સરદાર મૂલ્યોનો પ્રચાર પ્રસાર

સ્વરાજ આશ્રમની પ્રવૃત્તિઓઃ સરદાર પટેલને આજે પણ એ જ ઉત્સાહ સાથે બારડોલી યાદ કરતું આવ્યું છે. વલ્લભભાઈએ સ્થાપેલ એક માત્ર બારડોલીનો સ્વરાજ આશ્રમ આજે પણ સરદાર અને ગાંધીના વિચારોનો પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. બારડોલી સત્યાગ્રહમાં લોકોને જોડવા માટે જે રચનાત્મક કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી અનેક કામો આજે પણ અહીં ચાલી રહ્યા છે. સુથારી કામ, લુહારી કામ, બિસ્કિટ બેકરી, ખાદી વેચાણ કેન્દ્ર, સરદાર કન્યા શાળા, બાલમંદિર સહિતની રચનાત્મક પ્રવૃત્તિથી આ આશ્રમ આજે પણ ધમધમી રહ્યો છે.

સહકારી ક્ષેત્રના હિમાયતીઃ સહકારી માધ્યમથી શોષણમુક્ત સમાજ ઊભો કરવો એ સરદાર સાહેબની કલ્પના હતી. આ કલ્પનાને સાકાર કરવા આજની પેઢી કામ પણ કરી રહી છે. સરદારને કારણે જ બારડોલીમાં સહકારી ક્ષેત્રનો વિકાસ થયો છે. આજે અનેક સહકારી સંસ્થા કાર્યરત છે જે ખેડૂતોને આર્થિક રીતે પગભર થવામાં મદદરૂપ થઇ રહી છે.

ભીખાભાઇ પટેલ જણાવે છે કે, બારડોલી સત્યાગ્રહની લડત વખતે સરદાર પટેલ કહેતા કે દેશમાં આઝાદી આવશે તો ખેડૂતના ઘર પર સોનાના નળીયા હશે એટલે કે, ખેડૂતો બે પાંદડે સુખી થશે. પરંતુ આજે પણ ખેડૂત બે પાંદડે થવા મથી રહ્યો છે. આજની પેઢી પણ સરદાર પટેલને યાદ કરે છે અને કહે છે કે, સરદાર પટેલ આજે હોત તો અમારી સ્થિતિ કઈક અલગ જ હોત.આઝાદી વખતે ખેડૂતોની સ્થિતિ બદતર હતી તે સમયે ખેડૂતો વિચારતા કે આઝાદી મળશે તો અમારો પરિવાર કે પેઢી સુખી થશે પણ આજે પણ ખેડૂત પોતાની સ્થિતિ સુધારવા મથતો રહ્યો છે...ભીખાભાઈ પટેલ (પ્રમુખ, સ્વરાજ આશ્રમ)

  1. PM Shri Narendra Modi : લોખંડી પુરૂષને તેમની 148મી જન્મજયંતિ પર યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે દેશ તેમની સેવા માટે કાયમ ઋણી છે
  2. PM Modi Gujarat Visit: 31 ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્યાં નવા પ્રોજેકટનું લોકાર્પણ કરશે, જાણો

ABOUT THE AUTHOR

...view details