ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું સુરત:છેલ્લા લાંબા સમયથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આખરે જન્માષ્ટમીના તહેવાર પર મેઘરાજાએ રિસામણા છોડ્યા હતા અને ફરી વરસવાનું શરૂ કર્યું હતું. આજ રોજ સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, માંડવી, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જૂન,જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યા બાદ આખો ઓગસ્ટ મહિનાનો કોરો જતાં ફરી નદી - નાળાઓમાં પાણી તળિયાઝાટક થઈ ગયા હતા. ખેડૂતોનો પાક પણ સુકાઇ જવાની આરે હતો. પાકમાં અલગ અલગ જીવાતોએ પણ ઘર બનાવી દીધું હતું. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
'ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ આજે વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી જે આપણો મુખ્ય પાક છે શેરડી અને ડાંગર તેઓને ખૂબ જ મોટી રાહત થવાની છે. વરસાદને લઈને ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે.' - જયેશ પટેલ, ખેડૂત આગેવાન
ખેડામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર : જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા આનંદનો માહોલ છવાયો છે. જિલ્લામાં બપોર બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. સાંજ થતાં જિલ્લાના મહુધા, કઠલાલ, કપડવંજ અને ગળતેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાવવા પામી છે. આગામી દિવસોમાં પણ વરસાદ થવાની ધરતીપુત્રોને આશા બંધાઈ છે.
સુરતમાં ચાલું વરસાદે મટકી ફોડવામાં આવી : ભારે વરસાદ વચ્ચે આજે ગોવિંદાઓ દ્વારા શહેરમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. સૌથી અગત્યની વાત છે કે, ભારે વરસાદમાં પણ મહિલા ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી લોકોને જણાવવામાં આવ્યું હતું કે, મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ છે, જેમાં પુરુષ પ્રભુત્વ ગણાતા મટકી ફોડમાં પણ તેઓ કોઇ પણ પ્રકારે પાછળ નથી. મહિલા મંડળની મટકી જય ભવાની મહિલા મંડળ અંબાજીરોડ દ્વારા ફોડવામાં આવી છે. જેઓને પણ 11 હજારનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવી હતી. મહિલા ગોવિંદાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક મહિનાથી આ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેમના આ ગ્રુપમાં 18થી લઈને 60 વર્ષની મહિલાઓ સામેલ છે. જેમાં મોટાભાગે વિદ્યાર્થીનીઓ, ગૃહિણીઓ અને નોકરીયાત મહિલાઓ છે.
ખેડૂતોના પાકોને જીવતદાન: આજ રોજ મોડી રાત્રે ઉમરપાડા તાલુકાના કેવડી, જૂના ઉમરપાડા, ચવડા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. મેઘરાજાએ લગભગ એક કલાક સુધી તોફાની બેટિંગ કરતાં બજારો પાણી પાણી થઇ ગયા હતા. ખેડૂતોના પાકોને જીવતદાન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસે છે પરંતુ આ ચોમાસાની સીઝનમાં જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી.
સોયાબીનના પાક પર ટ્રેકટર ફેરવ્યું: વરસાદ ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધી ગયો હતો. જેના કારણે શેરડીના પાન કાળા પડી ગયા હતા અને શેરડીનો ગ્રોથ પણ અટકી ગયો હતો. જેની સીધી અસર શેરડીના ઉત્પાદન પર પડી હતી. તેમજ સોયાબીનના પાકમાં ઈયળો ઉપદ્રવ વધી ગયો હતો. ઈયળોના કારણે મોટાભાગનો પાક હાલ નષ્ટ થઈ ગયો હતો. જો ખેડૂતો આ પાકને બચાવવા મોંઘીદાટ દવાનો ઉપયોગ કરે તો સોનાના કરતા ઘડામણ વધે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઇને ઘણા ખેડૂતોએ કઠણ હૈયું રાખી સોયાબીનના પાક પર ટ્રેકટર ફેરવી દીધું હતું.
- Navsari Rain : લાંબા વિરામ બાદ નવસારીમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, 3 ઇંચ જેવો વરસાદ પડ્યો
- Surat News: વરસાદ ખેંચાતા માંગરોળ તાલુકામાં સોયાબીનનો પાક નષ્ટ