સુરત:સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોડ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદના દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાલુકાના પારડીમાં 8 ઇંચ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ તમામ 24 તાલુકામાં બે ઇંચ થી લઈને આઠ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના પલસાણા અને કામરેજ તાલુકામાં બીજા દિવસે પણ છ થી આઠ ઇંચ વરસાદ નોંધાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. બીજી બાજુ નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખી એનડીઆરએફ અને એચડીઆરએફને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે.
મેઘરાજાની મહેરબાની યથાવત: 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની યથાવત છે. જોકે હવે પણ હવામાન ખાતાએ ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આવનાર ચાર દિવસમાં તાપી, ડાંગ, નવસારી અને ભરૂચમાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલી મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી હતી. સુરત શહેર અને જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજ તાલુકા અને પલસાણા તાલુકામાં નોંધાયો છે. બીજી બાજુ સુરત શહેરમાં પણ છેલ્લા બે દિવસથી ધીમીધારે અવિરત વરસાદ ચાલુ રહ્યો છે. જોકે મોડી રાત્રે વરસાદે તોફાની બેટિંગ કરી દેતા શહેર માટે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.