- બારડોલી પાલિકાએ 81.50 ટકા વેરાની વસુલાત કરી
- સરકારી મિલકતોનો 22.52 લાખ રૂપિયા વેરો બાકી
- 7.24 કરોડની સામે 5.80 કરોડની વસુલાત
બારડોલીની સરકારી કચેરીઓએ 10 વર્ષથી વેરો જ ભર્યો નથી
નાણાકીય વર્ષનો અંતિમ માસ શરૂ થતાં જ પાલિકા દ્વારા વેરા વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 81.50 ટકા જેટલા વેરાની વસૂલાત થઈ ગઈ છે. જોકે, છેલ્લા દસ વર્ષથી સરકારી મિલકતોનો 22.52 લાખ રૂપિયાનો વેરો બાકી છે. ત્યારે પાલિકા તેમની સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.
બારડોલી: નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો શરૂ થતાં જ વેરા વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 81.50 ટકા જેટલા વેરાની વસુલાત કરવામાં આવી છે. બીજી તરફ નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ સરકારી મિલકતોને નોટિસ આપવામાં આવી હોવા છતાં છેલ્લા 10 વર્ષથી તેમનો વેરો ભરાયો નથી. આ મિલકતોનો અંદાજીત 22.52 લાખ રૂપિયા બાકી હોવાથી પાલિકાને જ આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
અત્યાર સુધીમાં 57 મિલકતો સીલ કરાઈ
બારડોલી નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષનો આખરી મહિનો શરૂ થતાં જ કડક વેરા વસુલાત શરૂ કરવામાં આવે છે. આ વખતે પણ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારા મિલકત ધારકો સામે લાલ આંખ કરવામાં આવી છે અને મિલકતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 57 મિલકતો વેરો નહીં ભરવા બદલ સીલ કરવામાં આવી છે. જ્યારે 10 જેટલા પાણીના કનેક્શનો પણ કાપવામાં આવ્યા છે.
18.50 ટકા વસુલાત બાકી
બારડોલી નગરપાલિકા દ્વારા કુલ 7.24 કરોડની રકમ સામે 5.80 કરોડ રૂપિયા એટલે કે 81.50 ટકા વસુલાત થઈ છે. જ્યારે 18.50 ટકા જેટલી વસુલાત હજુ પણ બાકી છે. સરકારી ગ્રાન્ટ મેળવવા માટે પાલિકાને 90 ટકા વસુલાતનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે પરંતુ માર્ચના પ્રથમ સપ્તાહ સુધી 81.50 ટકા જ વસુલાત થઈ શકી છે. જેની અસર સરકારી ગ્રાન્ટ પર પણ થઈ શકે એમ છે.
27 સરકારી મિલકતોનો વેરો બાકી
મહત્વની વાત તો એ છે કે, સરકારી વિભાગો દ્વારા જ છેલ્લા 10 વર્ષથી વેરો ભરવામાં આવ્યો નથી. શહેરી વિસ્તારમાં આવેલા પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, કેટલીક શાળાઓ, માર્ગ મકાન વિભાગ સહિતની કુલ 27 સરકારી મિલકતોનો વેરો બાકી છે. નગરપાલિકા દ્વારા અનેક વખત નોટિસ આપવા છતાં સરકારી કચેરીઓ દ્વારા વેરા ભરવામાં લાપરવાહી દાખવવામાં આવી રહી છે.
સૌથી વધુ પોલીસ વિભાગનો વેરો બાકી
સરકારી મિલકતોમાં પોલીસ વિભાગનો સૌથી વધુ 14 લાખ, જ્યારે શાળાઓનો 3.47 લાખ અને માર્ગ મકાન વિભાગનો 1.44 લાખ રૂપિયાનો બાકી વેરો પાલિકાના ચોપડે નોંધાયેલો છે. નાગરિકો સામે કડક કાર્યવાહી કરતી નગરપાલિકા સરકારી કચેરીઓ સામે મૌન જોવા મળી રહી છે.