સુરત:શહેરમાં આશરે 15 થી વધુ જેટલા લોકો વીઝાના નામે છેતરાયા હોવાની ફરિયાદ ઉઠી છે. ઈચ્છાપુર વિસ્તારમાં ચારેક જેટલા એજન્ટોએ મળી વીઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદીઓએ પોલીસ કમિશનરને આવેદન પણ આપ્યું હતું. અને ત્યાર બાદ તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ નક્કર પગલા ન લેતા અંતે ફરિયાદીઓએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. અને જો કોઈ નક્કર કાર્યવાહી ના થાય તો આત્મવિલોપન કરવા સુધીની ચિમકી ઉચ્ચારી છે.
વીઝાના નામે છેતરપિંડી: દુબઈ સ્થિત કંપનીમાં નોકરી અપાવવાના નામે સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા અંદાજિત 15 જેટલા લોકો પાસેથી વર્ક વીઝાના નામે લાખો રૂપિયાની રકમ ખંખેરી લીધા બાદ ઠગબાજ એજન્ટે હાથ અધ્ધર કરી દેતા તમામ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ અંગે પોલીસમાં લેખિત રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકો વધુ ચિંતિત બન્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા મોટા ભાગના શ્રમિકો છે જે હાલમાં ન્યાય માટે ઝંખી રહ્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે માત્ર તપાસનો વિષય બની ગયો છે.
વર્ક વીઝાને બદલે આપ્યાં વિઝીટર વિઝા: આ અંગે ભોગ બનનાર રમેશકુમાર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, ''અમને અમારા ગામના જ વ્યક્તિ વિકાસકુમાર કે, જેઓ અમારા ઘરની બાજુમાં રહે છે, તેઓ દ્વારા વીઝા માટે ફોન આવ્યો હતો કે, તમે લોકો દુબઈ જશો ત્યાં સારું કમાશો. એમ કહ્યું હતું જેથી અમે 15 લોકો તૈયાર થઇ ગયા હતા. તેમણે અમારી પાસેથી વીઝા માટે પૈસા માંગ્યા ત્યારે અમે તેમને બધા મળીને તેમના કેહવા પ્રમાણે પૈસા આપી દીધા અને અમે બધા દુબઈ ગયા હતા. પરંતુ ત્યાં ગયા તો અમને ત્યાંથી કહેવામાં આવ્યું કે, તમારી પાસે જે વીઝા છે તે વર્ક વીઝા નથી તે વિઝીટર વીઝા છે. તમે અહીં માત્ર ત્રણ દિવસ માટે જ રોકાઈ શકો છો'' આવું અમને જણાવામાં આવતાં અમે ચોંકી ગયા હતા અને અમને માલુમ પડ્યું હતું કે, અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે.