- 14 જૂન World Blood Donor Day
- 93 વખત રક્તદાન કરી લોકોની જિંદગી બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું
- 17,000 જેટલી લોહીની બોટલો આઠ જેટલી બ્લડ બેન્કને આપી
સુરત : 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) છે. કોઈવાર દર્દી લોહીની અછતના કારણે પોતાનો જીવ ગુમાવે છે પણ સમાજમાં એવા પણ લોકો છે, જે માનવતાના ધોરણે સ્વૈચ્છીક રક્તદાન (Blood Donation) કરતા હોય છે. સુરતના ઘનશ્યામ વસાણીએ 93 વખત રક્તદાન કરી લોકોની જિંદગી બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. એટલું જ નહીં ગરમીના સમયમાં લોહીની અછત શહેરમાં ન સર્જાય એ માટે NGO બનાવીને 11 વર્ષમાં અનેક બ્લડ ડોનેશન કેમ્પ (Blood Donation Camp) યોજી 17,000 જેટલી લોહીની બોટલો આઠ જેટલી બ્લડ બેન્ક (Blood bank)ને આપી છે.
NGOના માધ્યમથી અલગ-અલગ બ્લડ કેમ્પનું આયોજન શહેરમાં કરવામાં આવે છે
ઘનશ્યામ વસાણી બિરલાએ જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં લોહી આપવાની શરૂઆત 26 વર્ષથી કરી હતી. આજે મને 55 વર્ષ 1લી એપ્રિલે થયા ત્યાં સુધીમાં મેં 93 વખત બ્લડ ડોનેશન (Blood Donation) કર્યું છે. સુરતમાં લગભગ આઠ બ્લડ બેન્કો છે. આ તમામ બ્લડ બેન્કો (Blood bank)ને બ્લડ ડોનેશન કેમ્પ યોજીને 17 હજાર કરતા પણ વધારે બોટલો મારા દ્વારા અપાઈ છે. દસ વર્ષ પહેલા વિચાર આવ્યો કે, ઉનાળામાં બ્લડની જરૂરિયાત વધારે હોય છે, ત્યારે મેં સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન નામની NGOની શરૂઆત કરી. આ NGOના માધ્યમથી અલગ-અલગ બ્લડ કેમ્પનું આયોજન શહેરમાં કરવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદ દર્દીને સમયસર લોહી મળી શકે.
અડધી રાત્રે પણ લોહી આપવા તૈયાર છું : ઘનશ્યામ વસાણી બિરલા
ઘનશ્યામ વસાણી બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે, કોલેજ સમયથી મને લાગતું હતું કે, જો મારા શરીરનું લોહી બીજાને નવજીવન આપી શકતું હોય તો આના જેવું પુણ્યનું કામ બીજું ક્યુ હોઈ શકે ? ત્યારથી મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ મારા લોહીની બીજાને જરૂરિયાત ઉભી થાય તો હું અડધી રાત્રે પણ લોહી આપવા તૈયાર છું. મારી ઈચ્છા 100નો આંકડો પાર કરવાની છે.