વાપી:સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં ગણેશ મહોત્સવના અંતિમ દિને બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી. ગણપતિ વિસર્જનના અંતિમ દિવસે ગણેશ પંડાલ, સોસાયટીઓમાં સ્થાપિત ગણેશ પ્રતિમાની વિવિધ સાજ શણગાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળી હતી. ગણપતિ બાપા મોરિયા પૂંઢચ્યા વર્ષી લવકર્યા, એક દો તીન ચાર ગણપતિનો જય જય કાર, જેવા ગગનભેદી નારા તેમજ ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રા બાદ દમણગંગા નદી, કોલક નદી, અંબિકા નદી, નારગોલ, તિથલના દરિયા કિનારે, દમણના દરિયા કિનારે અને સેલવાસમાં દમણગંગા રિવરફ્રન્ટ પર બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.
લોકોમાં આકર્ષણ: શહેરના તમામ મુખ્ય માર્ગો પર માનવ મહેરામણ ઉમટયો હતો. રેલીમાં આદિવાસી નૃત્ય, રાસ ગરબા, મરાઠી નૃત્ય, સમાજ જાગૃતિના બેનરોએ લોકોમાં આકર્ષણ ઉભુ કર્યુ હતુ. વાપીમાં વિસર્જનયાત્રાનું દમણગંગા નદી ખાતે, દમણમાં દરિયા કિનારે સમાપન થયું હતું. વિસર્જન સ્થળે અને વિસર્જન યાત્રામાં ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એક ફૂટની મૂર્તિ થી લઇ 15 ફૂટની 600 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતુ.
મુસ્લિમ સમાજમાં પણ હરખની હેલી: આજના દિવસે જ મુસ્લિમ સમાજનો ઈદ એ મિલાદ તહેવાર હતો. જે પર્વને લઈને મુસ્લિમ સમાજમાં પણ હરખની હેલી જોવા મળી હતી. વાપીમાં અગાઉ જિલ્લા પોલીસ વડા સાથે સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ વિસર્જનના દિવસે જ ઝુલુસ કાઢવાનું નક્કી કર્યું હતું. જે મુજબ સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વાપી-ઉમરગામના વિવિધ વિસ્તારના મુખ્ય માર્ગ પર 15 જેટલા ઝુલુસ આયોજકો દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.