સુરત: શહેરના સુમુલ ડેરી રોડ પર રહેતા હોમ બેકર રોમા પટેલ અને તેના પરિવાર દ્વારા 2 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી અને ચોકલેટમાંથી બનાવેલી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યાં 10 દિવસ બાદ મંગળવારના રોજ અગિયારમાં દિવસે ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ગણેશની પ્રતિમા સંપૂર્ણ રીતે ચોકલેટમાંથી બનાવવામાં આવી હતી. દુધાભિષેક કરી પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું.
14 કિલો ચોકલેટમાંથી બનાવેલા ગણપતિનો 60 લીટર દુધથી અભિષેક કરી વિસર્જન કરાયું
દેશભરમાં ગજાનનને ભક્તો દ્વારા મંગળવારના રોજ ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે આ વખતે ભક્તો દ્વારા પોતાના ઘરે જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરતના સુમુલ ડેરી રોડ પર રહેતા પટેલ પરિવારે ચોકલેટમાંથી બનાવેલા 14 કિલોના ગણેશજીની પ્રતિમાનું 60 લીટર દૂધથી અભિષેક કરી વિસર્જન કર્યું હતું.
ગણેશની આ પ્રતિમાં દૂધમાં સંપૂર્ણ રીતે ભળી જતા પ્રસાદરૂપે અનાથ આશ્રમના બાળકોને પીરસવામાં આવ્યું છે. પર્યાવરણને થતાં નુકસાનને લઈ સુરતની હોમ બેકર રોમાં પટેલ દ્વારા આ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ખૂબ જ બિરદાવવા લાયક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
રોમા પટેલ અને તેના પરિવાર દ્વારા કુલ 60 લીટર દુધથી ગણેશની પ્રતિમાનો દુધાભિષેક કરવામાં આવ્યો હતો. ચોકલેટની આ ગણેશની પ્રતિમાંમાં એડીબલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રતિમાને 10 દિવસ સુધી પંખા નીચે મુકવામાં આવી હતી. જ્યાં પટેલ પરિવાર દ્વારા 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી મંગળવાર એટલે અગિયારમાં દિવસે દુધાભિષેક કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.