સુરત : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેન દ્વારા રશિયા પર રફ હીરાના વેચાણમાંથી જંગી યુદ્ધ ભંડોળ મેળવવાનો આરોપ લગાવ્યો છે. G7 દેશોએ દબાણ લાવતા અમેરિકાએ રશિયન રફ ડાયમંડ અને જ્વેલરીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેને ભારતના હીરા ઉદ્યોગ પર પણ આરોપ લગાવ્યો હતો. યુક્રેને કહ્યું કે, ભારતીય કંપની યુદ્ધ સ્પોન્સર તરીકે ભૂમિકા ભજવી રહી છે. જ્યારે આ આરોપને સુરત હીરા ઉદ્યોગ એસોસિએશન દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. બીજી બાજુ G7 દેશોના પ્રતિનિધિઓ સુરતની મુલાકાતે હતા. તેઓએ રત્ન કલાકારો અને ડાયમંડ એસોસિએશન સાથે મુલાકાત કરી હતી.
G7 પ્રતિનિધિઓ સુરતની મુલાકાતે : G7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને યુરોપિયન યુનિય સામેલ છે. તેઓએ લેખિત બાંયધરી માંગી છે કે, ભારતમાંથી આવતા હીરા અને હીરાના ઝવેરાત રશિયન મૂળના નથી. આ અઘોષિત પ્રતિબંધની સીધી અસર સુરત સહિત સમગ્ર ગુજરાત અને મુંબઈના હીરા ઉદ્યોગ પર પડશે. G7 દેશોના અધિકારીઓએ 28 સપ્ટેમ્બર ગુરુવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી. તેઓએ સુરતના હીરા ઉદ્યોગ માટે જાણીતા મિની બજારની મુલાકાત લીધી હતી. જેમાં 3-4 કામદારોને રોજગારી આપતા નાના એકમોથી લઈને 8-10 હજાર કામદારોને રોજગારી આપતા અત્યાધુનિક ફેક્ટરીઓ સુધીના એકમોની મુલાકાત કરી હતી.
યુક્રેન દ્વારા લગાડવામાં આવેલા આરોપો તદ્દન ખોટા છે. માત્ર હીરા ઉદ્યોગને બદનામ કરવા માટેનું ષડયંત્ર કહી શકાય. હીરા ઉદ્યોગ જે પણ રફ ડાયમંડની ખરીદી આંતરરાષ્ટ્રીય નિયમોના પ્રમાણે જ કરે છે. જેના સર્ટિફિકેટ પણ હોય છે. જેથી યુક્રેન દ્વારા લગાડવામાં આવેલ આરોપ માત્ર બદનામ કરવા માટેની વાત છે. --દિનેશ નાવડીયા (હીરા ઉદ્યોગના અગ્રણી)
8 લાખ લોકોની રોજગારી : G7ના અધિકારીઓને જણાવ્યું હતું કે, સુરત અને સૌરાષ્ટ્રની આસપાસના ગામડાઓમાં આશરે 8 લાખ લોકોની રોજગારી હીરાના વ્યવસાય પર નિર્ભર છે. ત્યારે રત્નકલાકાર એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, G7 દેશોના નેતાઓએ કોઈપણ નિર્ણય લેતા પહેલા આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ.
વાણિજ્ય મંત્રાલય સાથે બેઠક :G7 દેશોના પ્રતિનિધિઓએ આ ઉપરાંત રત્નકલાકાર એસોસિએશન અને સુરત ડાયમંડ એસોસિએશનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. G7 અધિકારીઓએ હીરા ઉદ્યોગના ઉત્પાદકોને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં મુખ્યત્વે ક્યાં, કેવી રીતે અને કયા આધારે કાચા હીરા મેળવવામાં આવે છે. જેના ઉત્પાદકોએ સંતોષકારક જવાબો આપ્યા હતા. આ સિવાય 29 સપ્ટેમ્બર શનિવારના રોજ મુંબઈમાં વાણિજ્ય મંત્રાલય સાથે બેઠક યોજાશે. જેમાં આ ક્ષેત્ર અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
- Surat Diamond Industry : દિવાળી પહેલા રત્નકલાકારોમાં ચિંતા, ડાયમંડ ઇન્ડસ્ટ્રી બે મહિના સુધી રફ ખરીદશે નહીં
- Daimond Export: USની મંદીથી મંદ પડ્યો હીરા ઉદ્યોગ, એક્સપોર્ટમાં અણધાર્યો ઘટાડો