સુરત: સુરતની એક કંપનીએ આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઈ ફૂલી ઓટોમેટિક વેન્ટિલેટર બનાવ્યું છે. જેની ખાસિયત એ છે કે, ડૉક્ટર 10 મીટર દૂર પોતાની કેબીનમાં બેસી રિમોટના માધ્યમથી 10 જેટલા દર્દીઓના વેન્ટિલેટરનું મોનિટરીંગ કરી શકાય છે. કોરોના કાળમાં તૈયાર કરવામાં આવેલા આ વેન્ટિલેટરના કારણે ડૉકટરને દર્દીથી સંક્રમણનો ડર ઓછો થઈ જાય છે.
ફુલી ઓટોમેટિક વેન્ટિલેટરની લાક્ષણિકતા
- કિંમતમાં સસ્તું (2.5 લાખ)
- વજનમાં હળવું (3 kg)
- ઉત્તમ ગુણવત્તા
- 10 મીટર દૂરથી રિમોટ વડે ઓપરેટ કરી શકાય છે
- ઇન્ટરનેશનલ કંપનીના વેન્ટિલેર જેવા તમામ ફીચર્સ
- NABL માન્યતા ધરાવતી લેબેરોટરીથી IEC દ્વારા પ્રમાણિત
સુરતની કંપનીએ વિશ્વનું સૌથી લાઈટ વેટ અને ફૂલી ઓટોમેટિક વેન્ટિલેટર તૈયાર કર્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઈને સુરતની કંપનીએ ઉત્તમ ગુણવત્તા ધરાવતા લો-કોસ્ટ વેન્ટિલેટરનો આવિષ્કાર કર્યો છે. જેમાં ઇન્ટરનેશનલ કંપનીના વેન્ટિલેટર જેવા જ ફિચર્સ ઉપલબ્ધ છે. ભારતમાં કોરોના મહામારીએ ઘણા ખરા બદલાવ સાથે નવસર્જનને પણ તક આપી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનવાની હાકલ કરી છે, ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઈને અને મહામારીની વિકટ સ્થિતિને પહોંચી વળવા સુરતની DRC Techno અને InnovSeed કંપનીએ મળીને મેક ઈન ઈન્ડિયા હેઠળ ઉત્તમ ગુણવત્તા ધરાવતા લો-કોસ્ટ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે.