કતારગામ વિસ્તારમાં રહેતા કાપડ દલાલ સુરેશભાઇ પ્રજાપતિ બે દિવસ અગાઉ વરાછાના બોમ્બે માર્કેટ ખાતે કામ અર્થે ગયા હતા. જે દરમિયાન અહીં દિવ્યા નામની યુવતી સાથે તેમનો પરિચય થયો હતો. દિવ્યા નામની યુવતીએ પોતાનો મોબાઇલ નંબર આપી સુરેશભાઈનો પણ મોબાઈલ નંબર લઈ લીધો હતો. બાદમાં દિવ્યા નામની આ રૂપ સુંદરીએ પોતાની મીઠી મીઠી વાતોમાં સુરેશભાઈને ભોળવી પોતાના ઘરે બોલાવ્યા હતાં.
પુનાગામ ખાતે પોતાના ઘરે બોલાવ્યા બાદ બંધ રૂમમાં લઈ જઈ સુરેશભાઈને શરીર સબંધ બાંધવા નિર્વસ્ત્ર કરાવ્યા હતાં. થોડી જ ક્ષણોમાં યુવતીના સાગરીતો પોલીસનો સ્વાંગ રચી આવ્યા હતા. ત્રણથી વધુ ઇસમો ઘરમાં ઘુસી ગયા હતા અને કાપડ દલાલને બ્લેકમેલ કરી રૂપિયા ત્રણ લાખની માગ કરી હતી. આ સાથે જ ધાકધમકી આપી કાપડ દલાલને માર પણ માર્યો હતો. જે બાદ પોતાની પાસે રહેલ અઢાર હજાર જેટલી રોકડ રકમ આપી કાપડ દલાલે પોતાનો છુટકારો કરાવ્યો હતો. જ્યાં ચુંગાલમાંથી છૂટયા બાદ કાપડ દલાલ સુરેશભાઈ પ્રજાપતિએ પુના પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.