- અલ્પેશ કથીરિયાની બર્થ ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતો વીડિયો વાઇરલ
- પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અલ્પેશ સહિત 12ની અટકાયત કરી
- પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ
બારડોલી : કામરેજના કોસમાડા ગામે ફાર્મ હાઉસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસ નિમિત્તે યોજવામાં આવેલી પાર્ટીના વીડિયો વાઇરલ થયા બાદ ત્યાં હાજર 12 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ ઊંભેળ આઉટ પોસ્ટના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
ફાર્મ હાઉસમાં કરાયું હતું બર્થડે પાર્ટીનું આયોજન
કામરેજ તાલુકાનાં કોસમાડા ગામે આવેલા સહજાનંદ ફાર્મ હાઉસમાં પાટીદાર આંદોલન સમિતિ(પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસ નિમિત્તે બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે કરી કાર્યવાહી
પાર્ટીમાં ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં લોકો ડાન્સ કરતાં હોવા અંગેનો વીડિયો વાઇરલ થયા હતા. જેને લઈને કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરી અલ્પેશ સહિત 12 લોકોની અટકાયત કરી હતી.