એક તરફ દિવાળીની રજા ચાલી રહી છે, ત્યારે લોકો દરિયા કિનારે જઇને ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો 'મહા' ચક્રવાતની આગાહી હોવા છતાં પણ વેકેશનની મોજ માણવા સહેલાણીઓ સુવાલી દરિયામાં જીવના જોખમે આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. દરિયાના પાણીમાં સુરક્ષા અથવા સલામતીના પગલા ભરવામાં આવ્યા હતા અને અનિચ્છનીય ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી રાખવાની ફરજ પણ તંત્રની જ છે. પરંતુ હાલ તંત્ર દ્વારા કોઇ જ પગલા લેેવામાં આવ્યા નથી અને સુરત દરિયાકાંઠે સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યાનુસાર 'મહા' વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે થઇને બુધવારની રાત્રે પસાર થશે. વાવાઝોડાની ગતિ 100થી 120 કિલોમીટરની રહે તેવી સંભાવના છે. શનિવાર કરતા રવિવારે ચક્રવાતનું લોકેશન સ્પષ્ટ થયું છે, ત્યારે 'મહા' વાવાઝોડાની ઝડપ પણ વધી છે.
સુરત દરિયાકાંઠે સુરક્ષાનો અભાવ કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્યને મોકલાવેલી એડવાઇઝરી મુજબ છઠ્ઠી નવેમ્બરની મધ્યરાત્રિથી 7મી નવેમ્બરની પરોઢ વચ્ચે મહા વાવાઝોડું ગંભીર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઇ દીવ અને દ્વારકા વચ્ચેથી પસાર થશે. જે દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકે 100 થી 110 કિલોમીટરથી વધી 120 કિલોમીટરની રહેવાની શક્યતા છે. આ વાવાઝોડાને કારણે છઠ્ઠી નવેમ્બરની સવારથી સાંજ સુધી ગુજરાત કાંઠાના દરિયો ભારે તોફાની રહે તેવી સંભાવના છે. સોમવારે વાવાઝોડું ધીમે-ધીમે પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પૂર્વ ઉત્તર પૂર્વ દિશા તરફ ફરી વળાંક લેશે. જે વેળાએ વાવાઝોડાની ગતિ 150 થી 185 કિલો મીટરની હશે, પરંતુ વળાંકના કારણે તેની ગતિ ઘટશે અને 100 થી 110 તેમજ 120 કિલોમીટરની ઝડપે મહા વાવાઝોડું છઠ્ઠી નવેમ્બર મધરાતથી 7મી નવેમ્બરની પરોઢ વચ્ચેના સમયગાળામાં દીવ-દ્વારકા વચ્ચેથી પસાર થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છઠ્ઠી અને 7મી નવેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં એકંદરે બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વધશે અને કેટલાક ભાગોમાં તેનું સ્વરૂપ ભારેથી અતિભારે રહેવાની શક્યતા છે.