સુરત:ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત માટે આજે ઐતિહાસિક દિવસ હતો. કારણ કે નૌકા દળે યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું છે. સુરત ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સુરત યુદ્ધ જહાજ ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ ઓફ નેવલ સ્ટાફ નૌકાદળના વડા એડમીનલ આર હરિકુમાર પણ હાજર રહ્યા હતા. અહીં તેઓએ અરબ સમુદ્રમાં ચાલી રહેલ ડ્રગ્સની ખેપ હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓને લઈ પણ નિવેદન આપ્યું હતું.
યુદ્ધ જહાજને મળ્યું સુરત નામ:નૌકા દળે યુદ્ધ જહાજને ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવનાર સુરત શહેરનું નામ આપ્યું છે. સુરત યુદ્ધ જહાજની વાત કરવામાં આવે તો આ ગાઇડેડ મિસાઈલ છે. જેનું કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય પ્રધાન રાજનાથજી દ્વારા માર્ચ મહિનામાં નિર્માણકાર્ય શરૂ કરાયું હતું. નવીન બ્લોક બાંધકામ પદ્ધતિ અનુસાર આ જહાજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં મુંબઈમાં આવેલ મજગાંવ કોક લિમિટેડ ખાતે આ આકાર પામી રહ્યું છે. યુદ્ધ જહાજોની પ્રોજેક્ટ 15 બીની હેઠળ રાષ્ટ્રની અદ્યતન યુદ્ધ ક્ષમતાઓનું આ પ્રતિક રહેશે. જે ભારતના આત્મ નિર્ભર મંત્રને સાર્થક કરશે. સુરતના આ જહાજ નિર્માણના ગૌરીભરી વિરાસતના બહુમાન માટે નૌકાદળએ યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું છે. યુદ્ધ જહાજના ક્રેસ્ટનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.
યુદ્ધ જહાજના ચિહ્નને અપાયેલા સુરત નામથી આખા ગુજરાતનું સન્માન વધ્યું છે. પ્રાચીન કાળમાં દરિયા વેપાર માટે સુરત દેશ-વિદેશમાં પ્રસિદ્ધ હતું. વેપારી સંબધો જાળવી રાખવામાં સુરતની મહત્વની ભૂમિકા રહી છે. સુરતનો દરિયાઈ તટ પ્રાચીનકાળથી જ ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. મરીન કમાન્ડો અને તટ રક્ષક દરિયાઈ સીમાની સુરક્ષા માટે હંમેશાથી સજ્જ રહ્યા છે. ભારત હવે ડિફેન્સ સેક્ટરના મેન્યુફેક્ચરિંગમાં પણ આત્મનિર્ભર બન્યું છે. - ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી