VNSGU માં કેરી ફોરવર્ડનો નિયમ લાગું કરવા NSUI દ્વારા યુનિવર્સિટી ભવન અને કુલપતિ નિવાસ પાસે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ,કોમર્સ તથા આર્ટસ મેનેજમેન્ટના તમામ કોર્સમાં કેરી ફોરવર્ડનો નિયમ લાગુ કરવામાં આવે તેવી NSUI દ્વારા માગણી કરવામાં આવી હતી. 1થી 5 સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને KT હોય તો પણ 6 સેમેસ્ટરરમાં પ્રવેશ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. સુરત NSUI દ્વારા કુલપતિની ચેમ્બર બહાર રામધૂન કરી ધરણા કરવામાં આવ્યા હતા. તો આ સાથે વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિણય લેવામાં નહીં આવે તો NSUIનાં આગેવાનો ઉપવાસ પર બેસશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેરી ફોરવર્ડ સિસ્ટમ લાગુ કરવા NSUIનો હોબાળો - VNSGU
સુરત : અમદાવાદ બાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કેરી ફોરવર્ડ સિસ્ટમ લાગુ કરવાની માંગ સાથે યુનિવર્સિટી ભવન અને કુલપતિ નિવાસ સ્થાન પર NSUIના કાર્યકરો તથા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ સાથે જ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
તો આ અંગે સુરત શહેર NSUIનાં પ્રમુખ મનીષ દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓની માગ છે કે, કેરી ફોરવર્ડ સિસ્ટમ લાગું કરવામાં આવે. ભાવનગર અને ગુજરાત યુનિવર્સિટીમાં આ સિસ્ટમ લાગું કરવામાં આવી છે, ફક્ત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ આ સિસ્ટમ લાગું કરવામાં આવી નથી. તેથી અહીં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે આ બાબાતને લઇને અગાઉ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી સમસ્યાનું નિવારણ આવ્યું નથી. તમામ પ્રયત્નો બાદ પણ જ્યારે કોઇ પગલા ભરવામાં ન આવ્યા ત્યારે આ વિરોધ નોંધાવ્યો હતો.
ઉપરાંત આગામી સમયમાં પણ જો માગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જયારે આ મુદ્દે યુનિવર્સિટી રજીસ્ટર અરવિંદ ભાઈ દ્વારા વિદ્યાર્થીઓની માંગણી ઉપર વિચાર કરવાની વાત કરવામાં આવી હતી.