સુરત : મોરાભાગળમાં રહેતી મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેવાની ચક્ચારી ઘટનામાં રાંદેર પોલીસે બિહારમાં નક્સલી વિસ્તાર ગણાતા કેવલી અને જમ્મુઇથી ત્રણને ઝડપી લીધા બાદ તેમની પૂછપરછમાં આખું રેકેટ પાકિસ્તાનથી ઓપરેટ થતું હોવાનો ખુલાસો થયો હતો. આંધ્રપ્રદેશની જુહી શેખ બ્લેકમેઇલિંગથી મેળવેલા નાણાંમાંથી પોતાનું કમિશન કાપી લઇ બીટકોઇન મારફત પાકિસ્તાનના લાહોરમાં બેઠેલા ઝુલ્ફીકાર મેઇલ IDમાં ટ્રાન્સફર કરતી હોવાનું બહાર આવ્યા બાદ સુરત પોલીસે આંધ્રપ્રદેશમાં ઓપરેશન હાથ ધર્યું હતું. મુસ્લિમ દંપતી સ્વાંગમાં જુહીને પોલીસે વિજયવાડાથી ઝડપી લીધી હતી.
47,500 ટ્રાન્સફર કરાયા હતા :ગત 16મી માર્ચે ટ્રેન નીચે મૂકીને 25 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી જિંદગીનો અંત આણી દીધો હતો. આ મહિલા પ્રોફેસરના મૃત્યુ બાદ તેના એકાઉન્ટ્સ અને મોબાઇલની વિગતો ચકાસવામાં આવતા પાકિસ્તાનના વર્ચ્યુઅલ નંબર ઉપરથી ધાકધમકીના મેસેજિસ હતા. તેમજ આ પ્રોફેસરના જ મોર્ફ કરી અશ્લીલ સ્વરૂપ અપાયેલા ફોટો મળ્યા હતા. બેન્કમાંથી બિહારના અલગ અલગ ચાર લોકોના બેંક એકાઉન્ટમાં 47,500 ટ્રાન્સફર પણ કરાયા હતા. બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગણાતા જમુઈ જિલ્લામાં દરોડા કરી અભિષેક રવીન્દ્ર પ્રસાદ સિદ્ધ અને રોશન કુમાર વિજય પ્રસાદ સિંહને અને પટનાના રાધોપુરથી સૌરભ રાજ ગજેન્દ્રકુમારને દબોચી લેવાયો હતો.
આ ટોળકીની પુછપરછમાં લોનના નામે વિગતો અને ફોટા મેળવી ગ્રાહકના ફોટો મોર્ફ કરી તેમને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી નાણાં પડાવવામાં આવતા હતા. ચોકાવનારી વાત એ હતી કે, આખું નેટવર્ક પાકિસ્તાનના લાહોરથી મીનાહીલ ઝુલ્ફીકાર નામનો શખ્સ ઓપરેટ કરતો હતો. તેની મુખ્ય સાગરીત આંધ્રપ્રદેશના વિજયવાડાની જુહી સલ્લુ સલીમ શેખ હતી. જુહી બ્લેકમેઇલિંગથી મેળવેલા નાણાં બીટકોઈનમાં કન્વર્ટ કરી પાકિસ્તાનમાં બેસેલા તેના આકાની મેઇલ આઇ.ડી. પર મોકલી આપતી હતી. મુસ્લિમ બહુમતી વિસ્તાર ગણાતા વિજયવાડામાં જુહીને શોધવા પોલીસે બે મહિલા કોન્સ્ટેબલ સહિત છની ટીમ મોકલી હતી. જેમાં ચાર લોકો મુસ્લિમ કપલ બનીને તથા બીજા બે લોકો પણ મુસ્લિમ નામ ધારણ કરીને વિજયવાડામાં સાત દિવસ રોકાયા હતા અને જૂહીનું સરનામું શોધી સ્થાનિક પોલીસની મદદથી દરોડા કરી ઝડપી લીધો હતી.- હર્ષદ મહેતા (DCB)