કામરેજના દિગસમાં એક્સપ્રેસ વેની જમીન ચકાસણી માટે આવેલી ટીમને ખેડૂતોએ વિરોધ કરી પરત મોકલી - વડોદરા મુંબઇ હાઈવે ન્યુઝ
સુરત જિલ્લામાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેથી અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદન અને વળતરને લઈને ખેડૂતો લાંબા સમયથી કાનૂની લડત લડી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે એક્સપ્રેસ વે બનાવનાર કંપની દ્વારા કામરેજ તાલુકાનાં દિગસ ગામે જમીન ચકાસણી માટે કામગીરી શરૂ કરવાની તજવીજ શરૂ કરતાં જ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
બારડોલી: સુરત જિલ્લામાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેથી અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદન અને વળતરને લઈને ખેડૂતો લાંબા સમયથી કાનૂની લડત લડી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે એક્સપ્રેસ વે બનાવનાર કંપની દ્વારા કામરેજ તાલુકાનાં દિગસ ગામે જમીન ચકાસણી માટે કામગીરી શરૂ કરવાની તજવીજ શરૂ કરતાં જ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન ચકાસણી કરવા માટે બોરિંગનો સામાન ઉતારી રહેલી ટીમને ગામના ખેડૂતોએ એકઠા થઈ જમીન ચકાસણી કરતાં રોકી હતી. તેમજ મશીન સહિત ટેસ્ટિંગ કરવા આવેલા તમામને સ્થળ પરથી પરત મોકલ્યા હતા.
વડોદરાથી મુંબઈ જતી એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન, માપણી અને જમીન ચકાસણીનો ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જમીન સંપાદન અંગે બજાર કિંમતના ચાર ગણા ચૂકવવા, જંત્રી વધારવા સહિતના અનેક પ્રશ્નોની વારંવાર ખેડૂતો સમાજ દ્વારા માાંગ કરવામાં આવી રહી છે. હાઇવે મુદ્દે ખેડૂતોની કાનૂની લડત ચાલુ હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરીટીએ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન અને ચકાસણી ખાનગી કંપની પાસે શરૂ કરાવી દીધી છે. શનિવારે એક્સપ્રેસ હાઇવે માટે જમીન ચકાસણી કરતી ટીમ બોરિંગ કરવા સામાન સાથે કામરેજ ગામે પહોંચી હતી. જ્યાં જમીન ચકાસણી માટે મશીનો ઉતારવામાં આવી રહ્યા હતા તે સમયે જ ખેડૂતો સ્થળ પર પહોંચી ગયા હતા અને જમીન ચકાસણી અટકાવી દીધી હતી. ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનની કાનૂની લડત ચાલુ હોવાથી જ્યાં સુધી ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ચકાસણી નહીં કરવા સ્પષ્ટ જણાવી કંપનીની ટીમને રવાના કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાંથી પસાર થનારા એક્સપ્રેસ હાઇવેની જમીન સંપાદન નીતિ સામે ખેડૂતોમાં શરૂઆતથી જ ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આ પહેલા અલગ અલગ ગામોમાં એવોર્ડ આપવા ગયેલા કંપનીના માણસોને પણ ખેડૂતોએ પરત મોકલ્યા હતા. ઉપરાંત ગત 19મી સપ્ટેમ્બરના રોજ હલધરું ગામે પણ ખેડૂતોએ જમીન ચકાસણી કરવા આવેલી ટીમને રોકી પરત મોકલી દીધી હતી.