- જીપીએસ ટ્રેકિંગ મશીનના તમામ ડેટા ડિલીટ કર્યા
- લાંબા સમયથી યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે
- અનેક રજૂઆતો છતા ખેડૂતોને નથી મળ્યો ન્યાય
બારડોલી: બારડોલી તાલુકાનાં છેવાડાના છીત્રા ગામમાં વડોદરા મુંબઈ સૂચિત એક્સપ્રેસ વે માટે જીપીએસ ટોપોગ્રાફી સરવે કરવા આવેલી ટીમને ખેડૂતોએ ભગાડી મૂકી હતી. ખેડૂતોએ અધિકારીઓના મશીનમાંથી ડેટા પણ ડિલીટ કરાવી દીધા હતા. વડોદરાથી મુંબઈ જતાં એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન, માપણી અને જમીન ચકાસણીનો ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જમીન સંપાદન અંગે બજાર કિંમતના ચાર ગણા ચૂકવવા, જંત્રી વધારવા સહિતના અનેક પ્રશ્નોની વારંવાર ખેડૂતો સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે.
સુરતમાં જમીનનો સરવે કરવા આવેલી ટીમને ખેડૂતોએ ભગાડી મૂકી કાયદાકીય લડત ચાલુ છતા સર્વે કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં રોષ હાઈવે મુદ્દે ખેડૂતોની કાયદાકીય લડત ચાલુ હોવા છતા નેશનલ હાઈવે ઓથોરિટીએ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન અને ચકાસણી ખાનગી કંપની પાસે શરૂ કરાવી દીધી છે. અગાઉ કામરેજ અને પલસાણા તાલુકામાં સરવે શરૂ કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ટીમને પરત મોકલી આપી હતી. તે દરમિયાન ગુરુવારે એક્સપ્રેસ હાઈવેની ચાર અધિકારીઓની ટીમ બારડોલી તાલુકાના છેવાડાના છીત્રા ગામે જીપીએસ ટોપોગ્રાફી સરવે કરવા માટે પહોંચી હતી.
પરવાનગી વગર જમીનમાં પ્રવેશતા ખેડૂતો ઉશ્કેરાયા
ચાર અધિકારીઓની ટીમે ખેડૂતોની જમીનમાં પરવાનગી વગર સરવે કામગીરી આરંભી દીધી હતી. જે અંગેની જાણ ગામના અસરગ્રસ્ત ખેડૂતોને થતાં જ ખેડૂતો એકત્રિત થઈ ગયા હતા અને પરવાનગી વગર ખેતરમાં પ્રવેશ કરવા બાબતે ચારેય અધિકારીઓ સંજય દાસ, સુબોધ કુમાર, મહિન્દ્રા દાસ અને સુભાષ કુમારને આડેહાથ લીધા હતા. ગ્રામજનોએ સર્વે કરવા આવેલ ટીમની પાસેના જીપીએસ ટ્રેકિંગ મશીનના ડેટા ડિલીટ કરી દીધા હતા અને પરવાનગી વગર ફરી ગામમાં ન આવવાની ચીમકી આપી હતી. અગાઉ એવોર્ડ આપવા આવેલ ટીમને પણ પરત મોકલી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લાના ગામોમાં એક્સપ્રેસ વેમાં સંપાદિત થતી જમીનનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ કેટલાક ગામોમાં એવોર્ડ લઈને આવેલી ટીમને પણ ગ્રામજનોએ ભેગા થઈને પરત મોકલી આપી હતી. હાઈવે ઓથોરિટીની યોગ્ય નીતિના અભાવે ખેડૂતોને વ્યાજબી વળતર મળી શકતું ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.