સુરત જિલ્લાના 30 વર્ષિય યુવા ખેડૂત જિગર દેસાઈએ અનુભવી પિતા ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ ડ્રેગન ફ્રુટની ખેતીમાં સફળતા મેળવી ખેતી અંગે રસપ્રદ વિગતો જણાવી હતી. તેમણે કહ્યું કે, ડિસેમ્બર 2015માં ત્રણ વીઘા જમીનમાં 3000 છોડ વાવીને નવીનતમ ખેતીની શરૂઆત કરી હતી. એ સમયે ગામના ઘણાં લોકો ડ્રેગન ફ્રુટથી અજાણ હોવાથી મારા પર હસતા હતા. ‘વિદેશી ફળો વિદેશમાં જ પાકે, અહીનું વાતાવરણ અને જમીન માફક ન આવે, નાહકની મહેનત માથે પડશે’, એવી વાતો કરવા છતાં પણ તેમણે મક્કમપણે નિર્ણય કર્યો કે ભલે નુકસાન જાય, પણ ડ્રેગન ફ્રુટની ખેતી પર હાથ અજમાવવો જ છે.
આખરે પિતા-પુત્રની જોડીએ એક મહિનાની મહેનતના અંતે ત્રણ વિઘામાં સિમેન્ટના કુલ ૭૫૧ પોલ ઊભા કર્યા. એક સિમેન્ટના પોલમાં ચાર ડ્રેગનના ટીસ્યુ લેખે ત્રણ હજાર છોડની રોપણી કરી હતી. પ્રત્યેક પોલ પર છોડ વિકાસ પામે તે માટે પોલ ઉપર ક્રોસ આકારની લોખંડની એંગલો ફીટ કરીને તેના પર ટાયરો મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે રોપણી પછી 20 મહિના બાદ ડ્રેગન ફ્રુટ પાકે છે. પરંતુ પિતા પુત્રની યોગ્ય અને પદ્ધતિસરની ખેતી અને જીવની જેમ સાચવણીના કારણે રોપણી કર્યાના માત્ર નવ મહિનામાં ફળોનું ઉત્પાદન શરૂ થયું હતું.
ઉત્પાદન વહેલું મળવાનું કારણ પૂછતા જિગરભાઈએ ખૂબ સરસ વાત કહી હતી. સમય પહેલા ફળ આવવાનો શ્રેય છાણીયા ખાતરને આપતા તેમણે જણાવ્યું કે, ઓર્ગેનિક ફાર્મિંગને અનુસરી અમે આજ સુધી રાસાયણિક દવા કે ખાતરનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. અમારા ખેતરમાં જ છાણીયા ખાતરને એકઠું કરી ડ્રેગન ફ્રુટની રોપણી કરતાં પહેલાં જમીનમાં ટ્રેક્ટરની 30 લારી જેટલું છાણીયું ખાતર નાખ્યું હતું. આ જ કારણ છે કે, માત્ર 9 મહિનામાં અમને ઉત્પાદન મળવાનું શરૂ થઈ ગયું. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પહેલા વર્ષે રૂપિયા પાંચ લાખ, બીજા વર્ષે રૂપિયા 7 લાખ થયું હતું. જયારે વર્તમાન 2019ના વર્ષમાં રૂપિયા આઠ લાખનું ઉત્પાદન થવાનો અંદાજ તેમણે વ્યકત કર્યો હતો. જે લોકો મારા પર હસતાં હતાં એ જ આજે ડ્રેગન ફ્રુટનો મબલખ ફાલ જોઈ મારી પ્રશંસા કરી રહ્યા છે.
ડ્રેગન ફ્રુટની ખેતી વિશે પ્રાથમિક જાણકારી આપતા તેમણે કહ્યું કે, આ ફ્રુટનું ઉત્પાદન ચોમાસાના સમયમાં થાય છે. એક વાર વાવ્યા પછી 25 વર્ષ સુધી ઉત્પાદન મળી રહે છે. ચોમાસાના ચાર મહિનામાં દર 40 દિવસના અંતરે પાકતા આ ફળોના ત્રણ ફાલ આવે છે. એક ફાલમાં દોઢ ટન જેટલા ડ્રેગન ફ્રુટ ઉતરે છે. એક પોલના ચાર છોડ ઉપર 25થી 30 જેટલા ફળ પાકે છે. ફળનો રંગ બદલાઈને લાલ થાય એટલે ફળને કાપી લેવાના હોય છે. એક ડ્રેગન ફ્રૂટનું વજન 80 ગ્રામથી 250 ગ્રામ સુધીનું હોય છે. કિલોદીઠ રૂપિયા 200થી 300 સુધીનો ભાવ મળી રહે છે. જીગરભાઈ કહે છે કે, શરૂઆતના વર્ષે અમે 3000 ટીસ્યુ છોડ, તેની રોપણી, મજૂરી, લોખંડની એંગલો સાથેના 751 આર.સી.સી.પોલ, ડ્રીપ ઈરિગેશન, છાણીયું ખાતર વગેરે મળી કુલ રૂપિયા ૮ લાખનું રોકાણ કર્યું હતું. એક વાર આટલું રોકાણ કરીએ એટલે સળંગ ૨૫ વર્ષ સુધી અનેકગણું ઉત્પાદન મળતું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
મહત્વની વાત એ છે કે, જિગરભાઈને ફળોને વેચવા સુરત માર્કેટ યાર્ડ સુધી જવાની જરૂર પડી નથી. કારણ કે જેવો પાક ઉતરે એવો ચપોચપ સ્થાનિક ગ્રાહકો દ્વારા ખરીદી લેવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ અને મજૂરોનો ખર્ચ બચતો હોવાનું જણાવતાં જિગરભાઈએ કહ્યું કે, સુરત તથા કામરેજના લોકો અમારે ત્યાંથી ઉધડતી સીઝને ડ્રેગન ફ્રુટ ખરીદી કરીને લઈ જાય છે. ત્રણ વર્ષથી આ ખેતી કરતાં હોવાથી આસપાસના વિસ્તારોમાં માઉથ પબ્લિસિટીના કારણે ફાલ ઉતરે એટલે થોડા જ દિવસોમાં વેચાઈ જાય છે.
ડ્રેગન ફ્રુટની ખેતી કરી ખેડૂતે કર્યું લાખો રૂપિયાનું ઉત્પાદન પિયત માટે ડ્રીપ ઈરિગેશનનો ઉપયોગ વિશે જિગરભાઈ કહે છે કે, ઉનાળામાં ઓછા પાણીમાં પણ છોડ ટકી રહે છે. ડ્રીપ ઈરિગેશન પદ્ધતિનો ઉપયોગ કરવાથી ડ્રેગન ફ્રુટના છોડનો સાતત્યપૂર્ણ વિકાસ થાય છે. આ ફ્રુટની માગ વધવાનું કારણ એ છે કે, ઔષધિય ગુણોથી ભરેલું ડ્રેગન ફ્રુટ કેન્સર, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સાંધાનો દુ:ખાવો, હાઈબ્લડ પ્રેશર જેવી અનેક બિમારીઓમાં લાભદાયક છે. તબીબોના મતે ડ્રેગન ફ્રુટનું નિયમિત સેવન કરવાથી પાચનશક્તિથી સાથે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં તેમજ હિમોગ્લોબીનનું પ્રમાણ વધારી શરીરનું સંતુલન જાળવવામાં ઉપયોગી બને છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિગરભાઈના રેડ ડ્રેગન ફૂટ ફાર્મિંગને નિહાળવા માટે ગુજરાતના તેમજ પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોના જિજ્ઞાસું ખેડૂતો વાવ ગામે આવી ચૂક્યા છે. જેઓને જિગરભાઈ અને પિતા ગિરીશભાઈએ હોંશે હોંશે આ ખેતી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
યુવા ખેડૂતે મેળવ્યું લાખો રૂપિયાનું ઉત્પાદન