- નકલી પોલીસ બની માસ્કના નામે ઉઘરાવતો હતો દંડ
- અમરોલી પોલીસે બે પૈકીના એક આરોપીને ઝડપી પાડ્યો
- ઝડપાયેલો આરોપી ગાડીઓ લે-વેચનો કરે છે ધંધો
સુરત : શહેરના અમરોલી જુના કોસાડ રોડ ખાતે વોકિંગમાં નીકળેલા નેવી કર્મચારી અને તેના મિત્રને બાઈક પર આવેલા બે બદમાશોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી માસ્ક કેમ નથી પહેર્યું ચાલો પોલીસ સ્ટેશનમાં કહી બાઇક પર બેસવા કહ્યું હતું. બાદમાં લાફો મારી ભાગી ગયા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી નંબર પ્લેટના આધારે ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ધાક ધમકી આપી લોકો પાસેથી પડાવતો પૈસા
સુરતના કોસાડ રોડ શિવનગર સોસાયટીમાં રહેતા સની પ્રકાશ પ્રજાપતિ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. સની ગત શનિવારના રોજ રાત્રે નવેક વાગ્યે મર્ચન્ટ નેવીમાં મરીન એન્જિનીયર તરીકે નોકરી કરતા તેના મિત્ર કૃણાલ ગિરીશ પ્રજાપતિ તેની અમરોલી પાસે આવેલી સોસાયટીથી સ્વસ્તિક કોમ્પલેક્ષ સુધી વોકિંગ કરતા હતા. તે દરમિયાન બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. સનીએ માસ્ક તેના નાકથી નીચેના ભાગે હોવાથી માસ્ક કેમ પહેર્યું નથી ચાલો પોલીસ સ્ટેશન કહી કોલર પકડી તેમની બાઈક પર બેસવા માટે કહ્યું હતું. જેથીં કૃણાલે પોલીસ તરીકેનો આઈકાર્ડ માંગી કયા પોલીસ સ્ટેશનમાં છો તેવું પૂછતા બદમાશોએ પોલીસકાર્ડ બતાવ્યો ન હતો. કૃણાલે પોતે નેવીમાં નોકરી કરતો હોવાની ઓળખાણ આપતા તેને લાફો માર્યો હતો. ત્યારબાદ બંને મિત્રોના માસ્ક ઉતરાવીને માસ્ક વગરના તથા માસ્ક પહેરેલાના ફોટા પાડ્યા હતા. ત્યારબાદ બાઈક પર ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે સનીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં અમરોલી પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.એસ.વરીયાએ બાતમીના આધારે એ.કે. રોડ પર આવેલા સમર્થ કોમ્પ્લેક્સમાં રેહતા રઘુવીર ઉર્ફે રઘુ ભીમાદાસભાઇ ગોંડલીયાની ધરપકડ કરી છે. જયારે અન્ય ફરાર એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય લોકોને નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરુ
અમરોલી પોલીસે બે પૈકીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ આવી રીતે અન્ય લોકોને નિશાન બનાવ્યા છે કે, કેમ તે દિશામાં પણ પોલીસે હાલ તપાસ શરુ કરી છે. જયારે અન્ય ફરાર એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલો આરોપી ગાડીઓ લે-વેચનો ધંધો કરતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે, હાલ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.