સુરત : ફેક પીએમઓ અધિકારી કિરણ પટેલની પોલ ખુલ્યા બાદ હવે સુરત શહેરમાં નકલી ઈસરો સાયન્ટિસ્ટની ધરપકડ કરવામાં આવી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા મિતુલ ત્રિવેદી પોતાને ઇસરો વૈજ્ઞાનિક ડોક્ટર મિતુલ ત્રિવેદી તરીકે ઓળખ આપતો હતો. એટલું જ નહીં તેણે જણાવ્યું હતું કે, ચંદ્રયાન 3 મિશનમાં વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની ડિઝાઇન તેને તૈયાર કરી છે. આ અંગે ઉમરા પોલીસ મથકમાં તપાસ અરજી થઈ હતી. જેના અનુસંધાને સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જ્યારે મિતુલ ત્રિવેદી અંગે ઈસરો પાસેથી જાણકારી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, મિતુલ ત્રિવેદી ખોટું બોલી રહ્યો છે.
નકલી ઈસરો સાયન્ટિસ્ટ : હાલમાં ચંદ્રયાન 3 મિશનની સફળતા અંગે વિશ્વભરમાં ચર્ચા છે. પરંતુ આ સફળતાનો શ્રેય સુરતના મિતુલ ત્રિવેદી નામનો એક ઈસમ પોતે લઈ ગયો હતો. સુરત શહેર અને મીડિયામાં આ વ્યક્તિ પોતાને કથિત રીતે ઈસરોનો વૈજ્ઞાનિક હોવાનું જણાવી રહ્યો હતો. ઉપરાંત લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની ડિઝાઇન તેણે તૈયાર કરી હોવાનું બાફ્યું હતું. તેણે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી હોવાનો દાવો કર્યો હતો. મિતુલ ત્રિવેદીની આ વાત મીડિયામાં વહેતી થઈ હતી. જે દિવસે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર પહોંચ્યું ત્યારે તેણે લોકોને જણાવ્યું હતું કે, તે પોતે બેંગ્લોર ઈસરો હેડ ક્વાર્ટરમાં છે અને હાલ બેંગ્લોરથી આવી રહ્યો છે. જોકે ફ્લાઇટના સમય અને તેની વાતોમાં વિષમતા જોવા મળી હતી.
ઈસરોએ આપી માહિતી : મિતુલ ત્રિવેદીની વાતો સાંભળી સુરતના સમાજસેવી ધર્મેશ ગામી તરફથી ઉમરા પોલીસ મથકમાં તપાસ માટે અરજી કરવામાં આવી હતી. આ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જ્યારે મિથુન ત્રિવેદી નામનો કોઈ વૈજ્ઞાનિક ઈસરોમાં છે કે નહીં તે અંગે ઈસરો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી નામનો કોઈપણ વ્યક્તિ ત્યાં વૈજ્ઞાનિક નથી. આખરે પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેને જણાવ્યું હતું કે, તે માત્ર પોતાના ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે આ કૃત્ય કર્યું હતું.