સુરત: ગુટખા ખાવાના શોખીન લોકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે ગુટખાના શોખીન છો, તો ચેતી જજો કારણ કે, સુરતના બજારમાં હવે બનાવટી ગુટખાનું વેચાણ શરૂ થયું છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક નિવડી શકે છે. શહેરના બજારમાં બનાવટી ગુટખાના વેચાણ અંગેનિ માહિતીના આધારે ઉધના પોલીસે બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે.
શહેરના ઉધના પોલીસને ડુપ્લિકેટ ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન સામગ્રી સાથે પોલીસે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બ્રાન્ડેડ કંપનીના ગુટખાનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. જ્યાં બાદમાં આ બનાવટી ગુટખાનું શહેરના માર્કેટમાં વેચાણ કરી મસમોટો નફો રળી લેવામાં આવતો હતો.
ડુપ્લિકેટ ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપાયું મળેલ માહિતીના આધારે ઉધના પોલીસે મોદી રાત્રે ઉધના વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં છાપો મારી બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું હતું. જ્યાં આ રેકેટમાં સંડોવાયેલ અન્ય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉધના ચંદ્રદીપ સોસાયટીના પ્લોટ નંબર 12,13માં આવેલ એક મકાનમાં બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હોવાની માહિતી ઉધના પોલીસના સ્ટાફને મળી હતી. જ્યાં પોલીસે સમી સાંજે છાપો મારતા બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું.
પોલીસને અહીંથી બ્રાન્ડેડ કંપનીના ગુટખા સહિત તમબાકું અને મોટા પ્રમાણમાં સોપારીના જથ્થા તેમજ સાધન સામગ્રી મળી આવી હતી. જ્યાં પોલીસે ઘટના સ્થળથી એક ઇસમની અટકાયત કરી હતી. પોલીસના છાપા દરમ્યાન મુખ્ય સૂત્રધારો ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે સ્થળ પરથી ઇલેક્ટ્રિક વજન કાંટા, પેકીંગ મશીન, સોપારીનો મોટો જથ્થો તેમજ બનાવટી ગુટખા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ ઉપરાંત મશીનરી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવટી ગુટખાનો આ કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને આ કારોબારમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે તે અંગેની તપાસ હાલ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.