ફેમસ ઈન્ફ્લુએન્સર થવા માટે બોટ્સ એક મોટો સ્કેમ, કેટલું ઘાતક છે જાણો સુરત : હાલના દિવસોમાં સોશિયલ મીડિયા લાખોની સંખ્યામાં ફોલોવર્સ, હજારોની સંખ્યામાં લાઈક્સની ભૂખ વધી ગઈ છે. હવે મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં ઈનફ્લુએન્સર બની રહ્યા છે. ત્યારે કેટલાક એવા લોકો પણ છે જેમને ફોલોવર્સ અને લાઈકની ઈચ્છા એટલી હદે છે કે, તેઓ હાલ એજન્સીઓ પાસેથી ફેક ફોલોવર્સ બનાવવા માટે પેકેજ લેતા હોય છે. તેને બોટ્સ કહેવામાં આવે છે. એ સંપૂર્ણ રીતે નકલી હોય છે. સુરત શહેર સહિતના મહાનગરોમાં હાલ તેનું ચલણ વધ્યું છે. બોટસ માટે કંપનીઓ પેકેજ આપે છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ તેનું ચલણ વધી ગયું છે.
પ્રસિદ્ધિની ઘેલછા :કંપની પેકેજ પ્રમાણે કેટલા ફોલોવર્સ જોઈએ તે મુજબનું એકાઉન્ટ બનાવી આપતી હોય છે. આ એકાઉન્ટ કોઈ વ્યક્તિ નથી, પરંતુ સ્ક્રિપટેડ સોફ્ટવેરથી ચાલે છે. હાલના દિવસોમાં તેનું ચલણ એટલી હદે વધી ગયું છે કે, લોકો પોતાને સૌથી વધુ ફેમસ બતાવવા માટે તેને ઉપયોગમાં લઈ રહ્યા છે. બીજી બાજુ આ ઘાતક પણ છે. કેટલાક ફેક એકાઉન્ટ થકી તમારા મોબાઇલના એક્સેસ પણ મેળવી લેતા હોય છે. જેનો તમને બ્લેકમેલિંગના બનાવમાં ફસાવવામાં પણ દુરુપયોગ થઈ શકે છે.
ફોલોવર્સ વધારવાની સ્પર્ધા : આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રિન્સ ગુપ્તાએ આ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલના દિવસોમાં બોટનો ઉપયોગ પોતાના પેજ પર ફોલોવર્સ, લાઈક એન્ગેજ બતાવવા માટે કરવામાં આવે છે. હાલના દિવસોમાં જે લોકો રિલ્સ બનાવતા હોય છે. તેમાં કોમ્પિટિશનની ભાવના જોવા મળતી હોય છે. તેઓ બતાવવા માંગે છે કે, મારા ફોલોવર્સ વધારે છે અને તમારા ઓછા છે.
બોટ શું છે ? તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બોટ અંગે વાત કરવામાં આવે તો કોડની અંદર સ્ક્રિપ્ટીંગ લખવામાં આવતી હોય છે. જેની અંદર ફેક એકાઉન્ટ પણ બોટની મદદથી જ બનાવવામાં આવે છે. બોટ્સને જ કહીએ કે જઈને તે વ્યક્તિને ફોલો કરે. ત્યાર પછી તે કમાન્ડના હિસાબે પોસ્ટ લાઈક પણ કરે છે. વાસ્તવમાં તે કોઈ માણસ નથી, ફેક એકાઉન્ટ છે. સ્ક્રિપ્ટ પ્રમાણે જે તે એકાઉન્ટમાં જાય છે. જેના કારણે દિવસની અંદર દસથી વીસ હજાર ફોલોવર્સ વધી જાય છે.
બોટ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ માર્કેટિંગ છે. તે ખૂબ જ સક્રિયતાથી વપરાય છે. તમને કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફોલોવર્સ વધારવા હોય તો તેના માટે અનેક માર્કેટિંગ એજન્સીસ છે. જે બોટની સુવિધા તમને આપે છે.-- સ્નેહલ વકીલના (સાયબર ક્રાઇમ વકીલ અને ડેટા પ્રોટેક્શન એક્સપર્ટ)
પૈસાના બદલામાં પ્રસિદ્ધિ : હાલના દિવસોમાં સોશિયલ ઈન્ફ્લુઅન્સ ખૂબ જ પ્રચલનમાં આવી રહ્યું છે. લોકોને વધારે શોખ હોય છે કે, મારી પ્રોફાઈલની અંદર ફોલોવર્સ વધારે હોય અને લોકોને લાઇકસ દેખાય તે આનો ઉપયોગ કરતા હોય છે. 500 રૂપિયામાં પણ તમને 1000 ફોલોવર્સ મળી જાય છે. કેટલાક લોકો 5000 રૂપિયા પણ લેતા હોય છે. ફોલોવર્સ પ્રમાણે પેકેજ હોય છે. તમને દરેક પોસ્ટ પર કેટલા લાઇક જોઈએ છે એના પ્રમાણે પેકેજ હોય છે. ખાસ કરીને કોરોનાકાળ પછી આ ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. સોશિયલ ઈનફ્લુએન્સરની સંખ્યા વધી છે. બધાને રિલ્સ બનાવીને ફેમસ થવું છે. પૈસા પણ કમાવવા છે. જેના માટે ફેક ફોલોવર્સની પદ્ધતિ ટ્રેન્ડમાં છે.
નકલી એકાઉન્ટની રમત : સાયબર ક્રાઇમ વકીલ અને ડેટા પ્રોટેક્શન એક્સપર્ટ સ્નેહલ વકીલનાએ બોટ્સની કાર્યપ્રણાલી વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે તે તમારી સર્ફિંગ હેબિટ જોઈને તમને પોપ અપ ઓપ્શન આપશે. જે તમારા ગેજેટમાં રિફ્લેક્ટ થશે. અને જો તમે પોપ અપ ઓપ્સન પર ક્લિક કરશો તો કેટલીક એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ શકે છે. અથવા તો જે સ્ક્રિપ્ટ છે તે તમારા બેકગ્રાઉન્ડ પર રન થશે.
સાયબર બ્લેકમેઇલિંગ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તમારા ગેજેટમાં વિવિધ જાણકારી છે. જેમાં એસએમએસથી લઈ ગેલેરી સહિતની વસ્તુઓ સામેલ છે. તેની જાણકારી બોટ મેળવી લે છે. જો એકવાર તે સમગ્ર જાણકારી મળી જાય તો તે વ્યક્તિ તમને બ્લેકમેઈલ કરવા લાગશે. તમારા મોબાઈલની જાણકારીઓ તમને બતાવી અથવા મોર્ફ કરીને તેઓ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ તમને બ્લેકમેઇલ કરવામાં ઉપયોગ કરશે. તેઓ તમારી પાસેથી પૈસાની માંગણી કરશે. જો તમે એકવાર આ ખંડણીની રકમ આપી તો તેનો કોઈ અંત આવશે નહીં. તેઓ વારંવાર તમારી પાસેથી પૈસાની માંગણી કરતા રહેશે. જેથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમે પોતાને બોટથી અલગ રાખો અને સુરક્ષિત રહો.
- Surat Viral Video : દસ વર્ષના પુત્રને મોપેડનું સ્ટેરીંગ આપી દેનાર અને નિયમ ભંગ કરાવનાર પિતા સામે સુરત પોલીસે કાર્યવાહી કરી
- Banaskantha News: રણમાં રેલાયા સંગીતના સૂર, મિત્તલ રબારીનો કંઠ સોશિયલ મીડિયાના યુઝર્સને કર્ણપ્રિય બન્યો