સુરતઃ રોજગારની તલાશમાં રાજસ્થાનથી સુરત જિલ્લામાં આવેલા શ્રમિકો માટે સોમવારની રાત અમંગળ સાબિત થઈ હતી. આકાશની નીચે આશરે 12 ડિગ્રીમાં ઊંઘી રહેલા પરપ્રાંતીય શ્રમિકોને ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા. આ તમામ શ્રમિકો ગટરના ઢાંકણા ઉપર ઊંઘી રહ્યા હતા. તેમને ખબર પણ નહોતી કે ડમ્પર ચાલક કાળ બની આવી જશે અને પંદર જેટલા પરપ્રાંતિય શ્રમિકોનો ભોગ લઇ લેશે. આ તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો રાજસ્થાનના બાડમેર જિલ્લાના છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જ્યારે Etv Bharat એ ડમ્પર ચાલક આરોપી પન્નાલાલે જણાવ્યું હતું કે તેનાથી ભૂલ થઈ છે સ્ટેરીંગ લોક થઈ જતા આ ઘટના બની હતી.
મજુરો માટે સોમવારની રાત બની ગોજારી
સુરત જિલ્લા માટે અમંગળ કહી શકાય તેવી ગોઝારી ઘટના બની છે. આશરે બાર વાગે રાત્રે કિમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં આવેલી ગટરના ઢાંકના પર સુતેલા પરપ્રાંતીય શ્રમિકો પર ડમ્પર ચડી જતા 15 જેટલા શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. શ્રમિકોના મૃતદેહનું આ દ્રશ્ય જોઈને કંપારી છૂટી જાય છે. રાજસ્થાનના બાસવાડા જિલ્લાથી રોજગારી માટે આવેલા શ્રમિકો અહીં છૂટક મજૂરી કરતા હોય છે કોઈ કડિયા કામ તો કોઈ સુગર મિલમાં મજુરી કામ કરે છે. પરંતુ રહેવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ તમામ લોકો હાઇવે નજીક ફૂટપાથ પર અથવા તો ગટરના ઢાંકણા ઉપર ઉંઘવા માટે મજબૂર થતા હોય છે. પરિવાર ઘરની મહિલાઓ અને બાળકો આવી જ રીતે દરરોજ એ રોડ પર ઊંઘતા હોય છે. પરંતુ મંગળવારે રાત્રે તેમની સાથે આ કરૂણ ઘટના બની હતી. જેમાં 15 જેટલા પરપ્રાંતિય શ્રમિકો જેમાં મહિલાઓ અને એક બાળકી સામેલ છે તેમનું કરૂણ મોત નિપજયું હતું.
ડમ્પર ચાલકે તેની ભૂલ સ્વીકારી
ડમ્પર ચાલક આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેને પણ ઈજા થતાં સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. ડમ્પર ચાલક આરોપી પન્નાલાલે જણાવ્યું હતું કે, તે કોસંબાથી ડમ્પર લઈને આવી રહ્યો હતો. તે દરમિયાન એક ટ્રકના ચાલક સામે આવતા તેને ડમ્પર અને સાઈડ લેતા અચાનક જ ડમ્પરનો સ્ટેરીંગ લોક થઈ ગયો હતો. જેથી આ ઘટના બની છે. ટ્રક ડ્રાઇવરના કારણે તેને ડમ્પર બાજુમાં લીધો હતો તે માને છે કે તેનાથી ભૂલ થઈ છે.
રાત્રે બનેલી આ ઘટના બાદ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનામાં દુઃખ વ્યક્ત કરતા તમામ મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી. એવું જ નહીં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વિટરના માધ્યમથી સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તને 50 હજારનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ દુખ વ્યક્ત કરી સાંત્વના પાઠવી છે.
મોત ક્યાં કોઈને આવી જાય તેની કોઈને ખબર નથી પડતી,શ્રમજીવી પરિવાર મહેનત મજૂરી કરી થાકી આવીને સુતા હતાં. પંરતુ તેમને ખબર ન હતી કે આવનારી સવારે તેમની આંખ જ નહીં ખુલે. હાલ હજુ પણ કેટલાક શ્રમજીવીઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને મોતનો આંકડો વધવાની આશંકાઓ સેવાઇ રહી છે. તમામ મૃતકો રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની હતાં.
મૃતકોના નામ
૧) મનીષાબેન મહીડા ઉંમર-૧૯ રહેવાસી- કુશલગઢ
૨) વાનીતાબેન મહીડા ઉંમર-૧૭ રહેવાસી - કુશલગઢ
૩) સંગીતા વસનીયાઉમંર -૨૭ રહેવાસી - કુશલગઢ
૪) રાહુલભાઈ મહીડા ઉંમર-૧૯ રહેવાસી - કુશલગઢ
૫) ચંપાબેન પણદા ઉંમર- ૧૬ રહેવાસી - કુશલગઢ
૬) નરેશભાઈ પણદા ઉંમર- ૨૫ રહેવાસી - કુશલગઢ
૭) રજીલા બેન મહીડા ઉંમર- ૨૫ રહેવાસી - કુશલગઢ
૮) વિકેશ મહીડા ઉંમર-૨૭ રહેવાસી - કુશલગઢ
૯) શકનભાઈ વસનીયા ઉંમર- ૨૧ રહેવાસી - કુશલગઢ
૧૦) મુકેશભાઈ મહીડા ઉંમર- ૨૫ રહેવાસી - કુશલગઢ
૧૧) લીલાબેન મહીડા ઉંમર - ૨૨ રહેવાસી - કુશલગઢ
૧૨) તેજલ મહીડા ઉંમર - ૧ વર્ષ રહેવાસી - કુશલગઢ
૧૩) અનિતાબેન મહીડા ઉંમર- ૪૦ રહેવાસી - કુશલગઢ
૧૪) દિલીપભાઈ વસનીયા ઉંમર -૨૦ રહેવાસી - કુશલગઢ
૧૫) શોભબેન વસનીયા ઉંમર - ૨૩ રહેવાસી - કુશલગઢ
આ દુર્ઘટનાને પગલે રેન્જ આઈજી રાજકુમાર પાંડયન સહિત સુરત પોલીસનો કાફલો તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળો પહોંચી આ મામલે તપાસ હાથ ધરી છે.