સુરત: અરબી સમુદ્રમાં ઉદભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાઇક્લોનમાં ફેરાવાની શક્યતા દેખાઇ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અસર થવાની શક્યતા છે. જેને લઈને સુરત જિલ્લાના તમામ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ આ વાવાઝોડાની અસર સુવાલી અને ડુમસ દરિયા કિનારે દેખાઈ રહી છે. દરિયામાં ભરતીનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાની અને મેયર ડૉ. જગદીશ પટેલ સહીત પાલિકાના અધિકારીઓએ ડુમસ બીચની મુલાકાત લીધી હતી.
સંભવિત નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતને અસર તેવી શક્યતા
ગુજરાતમાં કોરોના વાઈરસ અને લોકડાઉનના સંકટ વચ્ચે નિસર્ગ નામના વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આ સંભવિત નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતને અસર કરે તેવી શક્યતાના પગલે સુરત વહિવટી તંત્ર સાવચેતીના ભાગરૂપે બીચ બંધ કરી લોકોને સાવચેત રહેવા સૂચના આપી હતી.
સંભવિત નિસર્ગ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટરે દરિયો ખેડવા ગયેલા માછીમારોને પાછા બોલાવી લીધા છે. જ્યારે કોઇ માછીમાર હજૂ દરિયામાં હોય તો તેને પરત આવવાની સૂચના આપવામાં આવી છે. તેમજ ડુમસ, સુવાલી, ડભારી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરમિયાન સુવાલી દરિયા કિનારે ભરતીના પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે.
ભરતીના પાણીથી આખા કિનારે ભરાઈ જશે. ગામવાસીઓ અને માછીમારો દરિયાથી દુર કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાને લઈ ભરતી દરમિયાન દરિયાના પાણીમાં કરંટ દેખાય તેવી શક્યતા રહેલી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિપાનીએ જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.