ગુજરાત

gujarat

ETV Bharat / state

દુર્લભ પટેલ આત્મહત્યા: દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલા 4 પોલીસકર્મીની સૌરાષ્ટ્રમાં બદલી - દુર્લભ પટેલ આત્મહત્યા

દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પી.આઈ. સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા બાદ પોલીસ મહાનિદેશક દ્વારા ચારેયને સૌરાષ્ટ્રના મુખ્ય મથકોએ બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દુર્લભ પટેલની આત્મહત્યા કેસમાં પકડાયેલા બે આરોપીઓની ગાંધીનગર ખાતે સ્પેકટ્રોગ્રાફી કરવામાં આવી હતી.

durlabh Patel Suicide Chapter
દુર્લભ પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલા ચાર પોલીસકર્મીઓની સૌરાષ્ટ્રના મુખ્યમથકોમાં બદલી

By

Published : Sep 23, 2020, 12:39 PM IST

બારડોલી: રાંદેરની સૂર્યપુર સોસાયટી ખાતે રહેતા દુર્લભ પટેલે 7મી સપ્ટેમ્બરના રોજ માંડવીના ખંજરોલી ખાતે આવેલી સ્ટોન ક્વોરીની ખાણમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણમાં રાંદેર પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા, રાજુ લાખા ભરવાડ, હેતલ દેસાઈ, ભાવેશ સવાણી, કનૈયાલાલ નારોલા, કિશોર કોસીયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય ભોપાળા, કિરણસિંહ રાઇટર વિરુદ્ધ આત્માહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ હતી.

આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટીની રચના કરવામાં આવી હતી. તે દરમ્યાન 14મીના રોજ આ ગુનાના આરોપીઓ પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા, એ.એસ.આઈ. કિરણસિંહ પરમાર, પો.કો. અજય ભોપાળા અને હે.કો. વિજય શિંદેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. બાદમાં રાજ્ય પોલીસ મહાનિદેશક દ્વારા ફરજ મોકૂફી હેઠળનું મુખ્ય મથક બદલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે મુજબ પી.આઈ. બોડાણાને સુરત શહેરથી બદલી પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ, એએસઆઇ કિરણસિંહ પરમારને અમરેલી, પો.કો. અજય ભોપાળાને સુરેન્દ્રનગર તેમજ વિજય શિંદેને દેવભૂમિ દ્વારકા ખાતે કરવામાં આવી હતી.

સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.પી રાજકુમાર દ્વારા પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણાએ અગાઉ જે જિલ્લાઓમાં નોકરી કરી હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષક તથા રેન્જના મહાનિરીક્ષકો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમજ આરોપીની તપાસ કરાવી હતી. આ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, તમામ રેન્જના પોલીસ મહાનિરીક્ષક, પોલીસ મહાનિદેશક, સીઆઇડી ક્રાઇમ, રેલવેઝ, પોલીસ મહાનિરીક્ષક, એટીએસ સહિતના તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને પણ તપાસ કરવા માટે આરોપીઓની યાદી મોકલી આપવામાં આવી હતી.

દુર્લભ પટેલ આત્મહત્યા બાદ 11 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જે પૈકી રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીની પોલીસે ધરપકડ કરી હતી. બંનેના માંડવી કોર્ટે 23મી સુધીના પાંચ દિવસના રિમાન્ડ આપ્યા બાદ મંગળવારના રોજ બંને આરોપીઓના વોઇસ મેચિંગ માટે ગાંધીનગર એફ.એસ.એલ ખાતે સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details