સુરત: આર. આર. સેલે કોસંબા વિસ્તારમાંથી રૂ. 25 લાખની બનાવટી ચલણી નોટો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કરી સુરતના જહાંગીરપુરાના રહેવાસી શશીકાંતને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે હાલ આરોપી ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના કોસંબામાંથી 25 લાખની નકલી ચલણી નોટો જપ્ત - surat
સુરત આર. આર. સેલે કોસંબામાંથી રૂ. 25 લાખની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. આ ઘટનામાં જહાંગીરપુરા શશીકાંતને ફરાર આરોપી જાહેર કર્યો છે.
આર. આર. સેલની ટીમના PSI જી. આર. જાડેજા, ASI મહાદેવ કિશનરાવ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કોસંબા વિસ્તારમાંથી બાતમી મળી હતી કે, બોરભાઠા ગામે રહેતો રાજુ પટેલ અને કોસંબાનો નારણ સોલંકી બંને ભેગા મળીને બનાવટી ચલણી નોટો બનાવી માર્કેટમાં ફેરવે છે. આ ડુપ્લીકેટ નોટો જે કોઈ વ્યક્તિને જરૂર હોય, તે વ્યક્તિ આ લોકોના મોબાઈલ ફોન પર સંપર્ક કરે છે. અને તેને તેઓ અસલ ચલણી નોટોના અવેજમાં આપતા હોવાની હકીકત સામે આવી હતી. એક બનાવટી ગ્રાહક ઉભો કરી પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપીએ જણાવ્યું કે, બનાવટી નોટો આપું તેના અડધા અસલી રૂપિયા આપવા પડશે, અને હું કહું તે જગ્યાએ આપવાના રહેશે.
આ ઘટનામાં બંનેની વાતચીતમાં રૂ. 25 લાખની બનાવટી ચલણી નોટો માગી હતી. જેને લઈને પ્રશાંત ઉર્ફે રાજુ પટેલ અને નારણ સોલંકી ગાડી નં. GJ-05-CS-5634 લઈને આવ્યા હતા. બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન ખુલેલા જહાંગીરપુરાની મધુવન સોસાયટીમાં રહેતા શશીકાંત ભાવશંકરનું નામ ખુલ્યું હતું. જે કારણે પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમાં પોલીસે કુલ રૂપિયા 28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.