ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ સુરત:સુરતમાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. કેટલાક બે નંબરીયાઓ થોડા પૈસા વધુ કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. જોકે આ બે નંબરિયાઓની મેલી મુરાદ વધુ ટકી નથી શકતી. પોલીસ આવા લોકોને ઝડપી પાડતી હોય છે.
બાતમીના આધારે રેડ: સુરતના ઓલપાડ તાલુકામાં આવેલ બોલાવ ગામની GIDCમાં કીમ પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જી.આઈ.ડી.સી ની એક ફેકટરી પર દરોડા મારતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્થળ પર મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળી આવ્યો હતો. ફેક્ટરીની અંદરથી મસમોટી બે ટાંકીઓ મળી આવી હતી. એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું. જેમાં દાલડા ઘી, વનસ્પતિ ઓઇલ, સોયાબિન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું.
શુદ્ધ દેશી ઘીના નામે બનાવતી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત: ફેકટરી વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાનાથી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતું હતું. જે બોટલો પર સારાંશ ગાયનું શુદ્ધ ઘી, અનમોલ રતન શુદ્ધ ઘી જેવા સ્ટીકરો લગાડવાથી આવતા હતા. માત્ર નાની મોટી બોટલો નહિ પરંતુ નાના પાઉંચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું. કીમ પોલીસે ઘટનાસ્થળ ઉપરથી હજારોની સંખ્યામાં નાના મોટા ઘીના ડબ્બાઓ સીઝ કર્યા હતા. 700 જેટલા પાઉંચ, તેલના ડબ્બાઓ, ઓઈલના ડબ્બાઓ, મશીનરી, સિલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કીમ પોલીસે સમગ્ર મામલે ફૂડ એન્ડ દ્રગ વિભાગને જાણ કરતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઘીને સેમ્પલોને લેબમાં તપાસ અર્થે મોકલ્યા હતા.
ફેકટરી માલિક સામે ગુનો દાખલ: પોલીસે ઝડપી પડેલ ડુપ્લીકેટ ઘી બનાવવા જરુરી ઓઇલનો જથ્થો સામગ્રી કેવી રીતે લાવવામાં આવતી હતી. ઘીના જથ્થાનું વેચાણ કેવી રીતે કરવામાં આવતું હતું. કોણ કોણ તેની ખરીદી કરી રહ્યા હતા એ બાબતે હવે પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. જો તમે પણ ઘીનું રોજિંદા ખાવામાં ઉપયોગ કરી રહ્યા છો અને માર્કેટમાંથી તેની ખરીદી કરી રહ્યા છો તો હવે ચેતી જજો. માર્કેટમાં નકલી ઘી વેચાઈ રહ્યું છે અને આ ડુપ્લીકેટ ઘી સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. પોલીસે ફેકટરી માલિક કામરેજના અંકિત રાજેશ મોદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કીમ પોલીસ મથકના પીએસઆઈ વી આર ચોસલાએ જણાવ્યું હતું કે ચોક્ક્સ બાતમી મળતા જ અમારી ટીમે રેડ કરી હતી અને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લીધો હતો. એફએસએલ ટીમની મદદ લેવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જ ઓલપાડના સાયણ રોડ પરથી સોસાયટીના એક મકાનમાંથી આજ પ્રકારની એમ.ઓ ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. જેને સુરત જિલ્લા પોલીસે ઝડપી પડ્યું હતું. જે બાદ ઓલપાડ તાલુકામાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂનું ડુપ્લીકેસન કરતું કારખાનું પણ ઝડપી પાડ્યું હતું. જે બાદ હવે બોલાવ જી.આઈ.ડી.સી માંથી ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું કીમ પોલીસે ઝડપી પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
- Ambaji Prasad Controversy : પ્રસાદમાં ભેળસેળ મામલે મોહિની કેટર્સનું પોણા ત્રણ કરોડનું પેમેન્ટ અટકાવ્યું, નવી કંપનીમાં પણ છીંડા ?
- સુરતમાં ફરી એક વખત ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો