સુરત:ડમીકાંડની તપાસ દરમિયાન સામે આવેલું તોડકાંડ મામલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મૌન તોડ્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર પણ કાર્યવહી કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી સાથે રજૂ કર્યા છે. કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં.
ગૃહપ્રધાનનું નિવેદન: આ બાબતને લઈને ભાવનગર રેન્જ આઇ.જી દ્વારા સંપૂર્ણ ખુલાસો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના કોઈપણ યુવાનો પ્રકારની માહિતી આપે છે ત્યારે તેની ઉપર કામ કરવાનું પોલીસની જવાબદારી છે. યુવરાજસિંહ જે પણ માહિતી આપી હતી તેના ઉપર પણ પોલીસે કાર્યવાહી કરી છે. તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન જે પ્રકારે રેન્જ આઇ.જી માહિતી આપી છે. તેમાં અમુક લોકો એવા પણ હતા જેમના નામ જાહેર ન કરવા માટે તોડ થયો હતો. સદર મામલે પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે.
'યુવરાજસિંહ દ્વારા જે પણ નામો જાહેર કરવામાં આવ્યા હતા તે તમામ નામો ઉપર તપાસ કરવામાં આવી છે. જે લોકો ખોટી રીતે પરીક્ષામાં બેઠા હતા તે તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા છે પરંતુ સાચું કામ કરવા જોડે ખોટું કામ કરવાની સત્તા આપવામાં આવી નથી. આપવામાં આવેલા નામો ઉપર નીચે સુધી તપાસ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી ઉડાણપૂર્વક કરવામાં આવશે. કોઈની જોડે ક્યારે અન્યાય ન થાય તે માટે ગુજરાત પોલીસ સતત પ્રયાસ કરે છે. સાચી માહિતી આપવી એટલે કે બીજી બધી માહિતીઓ છુપાવીને કોઈને ડરાવી ધમકાવીને સેટલમેન્ટ કરવું યોગ્ય નથી.' - હર્ષ સંઘવી, રાજ્ય ગૃહપ્રધાન