સુરતમાં શ્વાન ખસીકરણ પાછળ 5 વર્ષમાં 45 લાખનો ખર્ચ સુરત :અવારનવાર શ્વાન હુમલાની ઘટના સામે આવતી હોય છે જેના કારણે સુરતની પ્રજા ત્રસ્ત છે. મહાનગરપાલિકા દ્વારા શ્વાન ખસીકરણ પાછળ 5 વર્ષમાં 45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સુરતમાં 80 હજાર શ્વાન રખડી રહ્યા છે. શ્વાનની સંખ્યા સામે સુરત મહાનગરપાલિકા તંત્રની કામગીરી તદ્દન નબળી રહી હોવાની સૂત્રો મળી રહી રહ્યા છે.
સુરતમાં શ્વાનનો ત્રાસ : થોડા દિવસ પહેલા સુરત વરાછા વિસ્તારમાં રખડતા શ્વાને ચાર વર્ષીય બાળકી પર હુમલા કર્યો હતો. CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, ત્યારબાદ શ્વાનના ત્રાસનો મુદ્દો ચર્ચામાં છે. સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની કેટલીક પાબંદીઓ અને જીવદયા પ્રેમીઓની વોચના કારણે સુરત મનપાનું તંત્ર બંધાયેલા હાથે કામ કરી રહ્યું હોય તેવું દેખાય રહ્યું છે. શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. માર્કેટ વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 37 હજાર શ્વાનોનું ખસીકરણ કર્યું છે. પરંતુ શ્વાનની સંખ્યા સતત વધી રહી છે અને ખસીકરણની કામગીરી પાછળ પાંચ વર્ષમાં મનપાએ કરેવા 45 લાખ નો ખર્ચ એળે ગયો હોય તેવી સ્થિતિ છે.
મનપા લોકહિત માટે કાર્યરત :જોકે આ મામલે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પ્રજાની સલામતી માટે મહાનગરપાલિકા હંમેશા કાર્યરત રહે છે, પરંતુ જે ખર્ચની વાત કરવામાં આવી રહી છે તે જરૂરીયાત પ્રમાણે જ કરવામાં આવી છે. જેથી સ્વાનના આતંકથી લોકોને બચાવી શકાય.
આ પણ વાંચો :વિશ્વનું એકમાત્ર મંદિર, ટેકરી પર લોકોની મનોકામના પુર્ણ કરે છે શ્વાન
ડોગ બાઈટના કેસ :શહેરી તેમજ અન્ય વિસ્તારોમાં ડોગ બાઈટના કેસ અમુક ઋતુ અને ચોક્કસ સમય દરમિયાન વધવાના જુદા જુદા કારણ છે. જે અંગે સુરત નવી સિવિલ હોસ્પિટલના સીએમઓ ઓનકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ચસ્વની લડાઈ દરમિયાન તેઓના રસ્તામાં આવવાથી, પુખ્તવયમાં દાખલ થનાર શ્વાનના હાર્મોન્સમાં આવતા ફેરફાર, માદા શ્વાનની ઋતુકાળ કે ગર્ભકાળની શરૂઆત કે આવવું, ગંદા ખોરાક પાણી બિસ્કીટ તેમજ કાચા દૂધથી શરીરમાં સુગરનું પ્રમાણ વધવા સહિતના જુદા જુદા કારણોનો સમાવેશ થાય છે. સામાન્ય દિવસોમાં સિવિલમાં ડૉગ બાઈટના નવા જૂના મળી 50થી 60 કેસ આવે છે. જે સંખ્યા શિયાળા દરમિયાન 100ની આસપાસ પહોંચી જાય છે. ડોગ બાઈટના ગંભીર પ્રકારના કેસમાં સિવિલ જેવી સરકારી હોસ્પિટલમાં પાંચથી છ હજારની કિંમતના ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના છ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાય છે. સમયસર સારવાર નહીં કરાવવાથી પીડિત વ્યક્તિ હાઈડ્રો અને ફોટો ફોબિયાનો પણ શિકાર બની શકે છે.
આ પણ વાંચો :શ્વાનના ટોળાએ વૃદ્ધા પર કર્યો હુમલો, હાલત ગંભીર થતા હોસ્પિટલમાં ખસેડાયા
રૂપિયાનો ધુમાડો :સુરત મનપા દ્વારા ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ સમસ્યાનું કોઈ નિવારણ આવી રહ્યું નથી, SMC દ્વારા 1 ખસીકરણ કરવા પાછળ 1350નો ખર્ચ કરવામાં આવે છે. 5 વર્ષમાં 37 હજાર કૂતરાના ખસીકરણ પાછળ અંદાજે 45 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં સુરત મનપા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે એવો સીધો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.