સુરત: કોરોના વાઇરસના સંક્રમણ સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે લોકો સ્વયંશિસ્ત, સંયમ અને સ્વ જાગૃતિથી નાગરિકો રાજ્ય અને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોનું પાલન કરવામાં સહયોગ આપે તે જરૂરી છે.
નોવેલ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે શહેર અને જિલ્લાના નાગરિકો શક્ય હોય ત્યાં સુધી બહાર હરવા ફરવાનું ટાળી પોતાના ઘરે જ રહે તે આવશ્યક છે. સમગ્ર વિશ્વમાં સંક્રમિત કોરોના વાઇરસથી ઉભી થયેલી પરિસ્થિતીના કારણે માસ ગેધરીંગ નહીં કરવા અંગે સરકારની સુચનાને ગંભીરતાથી લઇ નાના મોટા તમામ મેળાવડાને ટાળવાનો તેમજ હીરા ઉદ્યોગ, ટેક્ષ્ટાઇલ, ડાઈંગ, એમ્બ્રોઇડરી યુનિટ્સના ઉદ્યોગકારો-વ્યાપારીઓએ 29 માર્ચની સુધી કામકાજ બંધ રાખવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, વિદેશથી પરત ફરેલા શહેરના 459 અને ગ્રામ્ય વિસ્તારના 68 મળી કુલ 527 લોકોને હોમ કોરાન્ટાઇન કરાયા છે. જે પૈકી સરકારના ફરજિયાતપણે હોમ કોરન્ટાઇનના આદેશનું ઉલ્લંઘન કરનારા 4 વ્યક્તિઓને સરકારી કોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરાના વાઇરસનો વધુ ફેલાવો ન થાય તેની સાવચેતીના પગલાં રૂપે કલેક્ટર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર, જિલ્લાના તમામ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર તથા રેશનકાર્ડની તમામ ઝોનલ કચેરીઓ, દસ્તાવેજ નોંધણીની સબરજીસ્ટ્રાર કચેરીઓ, આર.ટી.ઓ. કચેરી, એસ.સી, એસ.ટી, ઓ.બી.સી, બિનઅનામત વર્ગની કચેરી, ઈ-ધરા કેન્દ્રો જેવી સરકારી કચેરીઓ કોઇપણ પ્રકારની દસ્તાવેજી કામગીરી માટે 29 માર્ચ સુધી બંધ રહેશે. જેથી જાહેર જનતાએ રેશનકાર્ડ, આધારકાર્ડ, જનસેવા કેન્દ્ર ઝોન ઓફિસને લગતી તમામ કામગીરી માટે સરકારી ઓફિસની મુલાકાત ટાળવાની અપીલ કરી હતી. ખાસ કિસ્સામાં સરકારી અધિકારીઓની પૂર્વ અપોઈન્ટમેન્ટ લઇ મળી શકાશે.
અરજદારોએ સરકારની વેબસાઇટ https://www.digitalgujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કરવી અને રેવન્યુ કેસોમાં 31 માર્ચ સુધીની મુદત રહેશે. આ ઉપરાંત નિરાધાર-વૃદ્ધ-દિવ્યાંગો સહિત રાજ્ય સરકારની માસિક સહાય-પેન્શન મેળવતા લાભાર્થીઓને એક માસનું પેન્શન એડવાન્સ અપાશે એમ તેમણે કહ્યું હતું.