સૂરતઃ દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલિસ આવા વ્યાજખોરો પર સંકજો કસવામાં નિસફળ રહી છે. ત્યારે વધુ એક યુવાને વ્યાજખોરના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો.
હીરાદલાલે 3 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનો મરણચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો સામે આવેલી વિગતો મુજબ સુરતના કાપોદરા વિસ્તારાંની ધર્મસાગર સોસાયટીમાં રહેતાં જીતેન્દ્ર કાટ્રોડિયા હીરાદલાલીનું કામકાજ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. એક વર્ષ પહેલાં જીતેન્દ્રભાઈને ધંધામાં મંદી હોવાને કારણે તેમના જ સંબંધી વિજય કાટ્રોડિયા, રાજુ કાટ્રોડિયા તથા ભરત પાસેથી વ્યાજે રૂપિયા લીધાં હતાં.
શરૂઆતના સમયે મૃતક જીતેન્દ્રભાઈએ સમયસર પેમેન્ટનું ચૂકવણું કર્યું હતું. જો કે બાદમાં વ્યાજખોરો દ્વારા પોતે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. શરૂઆતમાં જીતેન્દ્ર પાસે કોરા ચેકમાં સહી કરવી લીધી હતી. બાદમાં પણ ત્રણેય દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી. વારંવારની હેરાનગતિથી કંટાળી મૃતકે પોતાનું વેસુ ખાતે આવેલું મકાન પણ ત્રણેયના નામે લખી દીધું હતું.
મકાન લીધા બાદ પણ હેરાનગતિ કરતાં રહેતાં આખરે કંટાળેલા જીતેન્દ્રભાઈએ પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલા ત્રણેય વ્યાજખોરોના નામની સ્યૂસાઈડ નોટ લખી હતી. ઘટના બાદ પરિવારજનો દ્વારા જીતેન્દ્રભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જીતેન્દ્રનું કરુણ મોત નીપજ્યું હતું.
મોત બાદ કાપોદરા પોલિસે જીતેન્દ્રભાઈના પત્ની કવિતાના નિવેદનના આધારે ત્રણેય વ્યાજખોરો સામે 306, 386, 504, 506 અને 114 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.