ગેરકાયદે શાળાના બાંધકામને તોડી પાડતુ સુરત મહાનગરપાલિકા, વિદ્યાર્થીઓનું ભાવિ અંધારામાં - parants
સુરત: તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ પણ શહેરની કેટલીક ખાનગી શાળાના સંચાલકો સુધરવાનું નામ લેતા નથી. તેવી જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને અંધારામાં રાખી ગેરકાયદે શાળાનું બાંધકામ સુરત મહાનગરપાલિકા દ્વારા તોડી પડાયુ છે. જેને લઈ શાળામાં અભ્યાસ કરતાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ સવાલ ઊભા થયા છે. જોકે ડિમોલિશનની કામગીરી દરમિયાન વાલીઓ અને વિધાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાતતારા હિન્દી વિદ્યાલયનો કિસ્સો હજુ શમ્યો નથી ત્યાં ડિંડોલી વિસ્તારમાં આવેલી શાળાનો વધુ એક વિવાદ વકર્યો છે. ડિંડોલી વિસ્તારના હરીહર નગરમાં આવેલ હિન્દી અને ઈંગ્લિશ મીડીયમ શાળાના સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ ઉભુ કરી દેવાયું હતું. જેને લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ શાળાના ગેરકાયદે બાંધકામનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાને એક માસ અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ. શાળા દ્વારા કરેલા ગેરકાયદેસર બાંધકામને પણ તોડી પાડવામાં આવ્યું હતું. છતાં પણ શાળાના સંચાલક દ્વારા ફરી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જોકે પાલિકા દ્વારા ફરી નોટિસ પણ બજાવવામાં આવી હતી. જેથી સ્વયં ગેરકાયદેસર બાંધકામ ઉતારી પાડશે તેવી બાંહેધરી પત્ર લખી આપવામાં આવ્યું હતું.