- સુરત (જીજે 5) અને બારડોલી (જીજે 19)ના વાહન ચાલકોને મુક્તિ આપવા માગ
- મુક્તિ નહીં અપાય તો આંદોલનની ચીમકી
- બંને ટોલ પ્લાઝા પર બે લેન અલગથી ફાળવવા રજૂઆત
બારડોલી: આગામી 1 જાન્યુઆરી 2021થી ટોલનાકા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાયુ છે, ત્યારે સુરત જિલ્લામાં નેશનલ હાઇવે પર આવેલા ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે ‘ના કર’ ટોલ બચાવ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જો ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં અપાય તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના કામરેજ, ઉમરપાડા, માંગરોળ, પલસાણા, ચોર્યાસી, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેરના અંદાજે 15 હજાર જેટલા વાહનો દરરોજ નેશનલ હાઇવે નંબર 53 (સુરત - ધુલિયા) પર આવેલા ભાટિયા તેમજ નેશનલ હાઇવે નંબર 48 (મુંબઈ - અમદાવાદ) પર આવેલા ચોર્યાસી (કામરેજ) ટોલનાકા પરથી પસાર થાય છે.
કામરેજ ટોલનાકા પર અત્યાર સુધી સ્થાનિકોને ટોલટેક્સ ભરવામાંથી મુક્તિ હતી
અત્યાર સુધી કામરેજના ટોલનાકા પર સુરત(જી.જે.5) અને બારડોલી(જી.જે.19) વાહનોને ટોલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જ્યારે ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો સામે ઉઘરાવવામાં આવી રહેલા અયોગ્ય ટોલ ટેક્સના વિરોધમાં 'ના કર' ટોલ બચાવ સમિતિ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિકો ખૂબ નજીવા દરે ટોલનાકા પરથી પસાર થઈ શકે છે.
જો રોકડ લેન બંધ થાય તો કામરેજમાં 40 અને ભાટિયામાં 165 રૂપિયા ચૂકવવા પડશે