- પુરાવાનો નાશ કરવા સળગાવી દેવામાં આવી લાશ
- પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
- તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાય હોવાની શંકા
સુરત: જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાં કીમ બ્રાન્ચ નહેર કિનારે મંગળવારના રોજ એક યુવકની સળગતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવકની કોઈએ હત્યા કરી પુરાવા નાશ કરવાના ઇરાદે તેની લાશ સળગાવી દીધી હતી. હજી સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.
આ પણ વાંચો:રાજકોટમાં ખૂની ખેલઃ બે શખ્સોએ પ્રૌઢની કરી હતી હત્યા
ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતની નજર લાશ પર પડી
કામરેજ તાલુકા ઘલુડી ગામે પટેલ ફળિયામાં રહેતા જગદીશભાઈ નારણભાઈ પટેલ મંગળવારના રોજ શેખપુર ગામની સીમમાં આવેલા તેમના શેરડીના ખેતરમાં પાણી ચાલુ કરવા ગયા હતા. જગદીશભાઈ નહેર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે નાળાની બાજુમાં ઘલુડી જવાના કેનાલ રોડ પર કંઈક સળગતું હોય અને તેમાંથી ધુમાડો નીકળતો હતો. તેમણે નજીક જઈને જોયું તો ત્યાં એક લાશ સળગી હતી.
આ પણ વાંચો:સુરતઃ પિતાની નજર સમક્ષ પુત્રની તલવારના ઘા ઝીંકી કરાઈ હત્યા
પગમાં ઈજાના નિશાન મળી આવ્યા
જગદીશભાઈએ તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરી હતી. લાશના મોઢાં અને શરીરનો ભાગ સળગી ગયો હતો. જ્યારે હાથ અને પગ સારા હતા. પગમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા. મૃતકે હાથની આંગળીમાં વીંટી પહેરેલી હતી. તેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી પુરાવા નષ્ટ કરવાના ઈરાદે લાશ સળગાવી દીધી હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ પોલીસે મૃતક યુવકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.