સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ આસમાને પહોચી ગયો છે. સુરતમાં ગુનાખોરીનું વધતું પ્રમાણ પોલીસ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. એક અઠવાડિયા દરમિયાન પુના અને ડીંડોલી વિસ્તારમાં હત્યાના ત્રણ બનાવો બની ગયા છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાંથી યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
ડાયમંડ સિટી બન્યું ક્રાઈમ સિટી, છેલ્લા એક અઠવાડિયામાં 4 હત્યા
સુરત: ડાયમંડ સિટીમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ જેટલી હત્યા થઈ ચૂકી છે. ત્યાં વધુ એક હત્યા કરાયેલો મૃતદેહ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આશરે 21 વર્ષીય યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પાંડેસરા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે યુવકની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.
પાંડેસરાના વડોદ ગામ ખાતે આવેલ મનપા સંચાલિત વડોદ લેક ગાર્ડન પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં આશરે 21 વર્ષિય યુવકનો મૃતદેહ પડી હોવાનો કોલ પોલીસ કંટ્રોલ રૂમને મળતા પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં પાંડેસરા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પરથી ઇજાના નિશાન ગંભીર નિશાન મળી આવ્યા છે.
અજાણ્યા શખ્સો દ્વારા યુવકની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇ પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવક કોણ છે, ક્યાંનો રહેવાસી છે તેમજ કોણે તેની હત્યા કરી છે તે દિશામાં પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.